આણંદ : આણંદના આંકલાવડી ગામે એક્સપ્રેસ હાઈવે પર પુરપાટ ઝડપે જતા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ વૃદ્ધ બોટાદથી આવ્યાં હતા અને અમદાવાદ ખાતે તેમના નાના ભાઈને મળવા જવું હોવાથી ટોલનાકા પર ઉતરી ગયાં હતાં. બાદ અકસ્માતનો ભોગ બન્યાં હતાં. જોકે, આ સમગ્ર બાબત બોગસ સાબિત થઇ હતી. હકિકતમાં તેઓ જે ટ્રકમાં ક્લિનર તરીકે કામ કરતાં હતાં, તેના ચાલકે જ તેમની હત્યા કરી લાશ પર ટ્રક ફેરવી અકસ્માતમાં ખપાવવા કોશીષ કરી હતી.
અમદાવાદના આકાશ ફ્લેટમાં રહેતા મનન ભરતભાઈ દવે ટુરીઝમ કન્સલટન્સીનો વેપાર કરે છે. તેમના પિતા ભરતભાઈ તેમની સાથે રહે છે. જ્યારે પિતાના મોટા ભાઇ વસંતભાઈ વાસુદેવભાઈ દવે (ઉ.વ.64)ના લગ્ન થયા ન હતાં અને તેઓ બોટાદના પાળીયાદ ગામે તેમના મિત્ર જલુભા મનુભા પરમાર સાથે રહેતા હતાં. દરમિયાનમાં આંકલાવાડી પાસે એક્સપ્રેસ વે પર પુરપાટ ઝડપે જતા વાહને વસંતભાઈ દવેને ટક્કર મારતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે વાસદ પોલીસે ભરતભાઈને જાણ કરી હતી. જેના પગલે મનન વાસદ ખાતે પહોંચ્યો હતો. જોકે, વસંતભાઈનો મૃતદેહ ઓળખાય તે સ્થિતિમાં નહતો.
આથી, તેમણે જલુભાને ફોન કરતા તેઓએ જણાવ્યું હતું કે, વસંતભાઈ તથા વિનુભાઈ કોળી પટેલ પાંચેક દિવસથી બોટાદથી ટ્રકમાં કેમિકલ ભરી મહારાષ્ટ્ર ગયા હતા અને ત્યાંથી તરબૂચ ભરી પરત બોટાદ આવી રહ્યાં હતાં. પરંતુ ઘટનાના દિવસે વસંતભાઈને કોઇ કારણસર ભરતભાઈને મળવા અમદાવાદ જવું હોવાથી તેઓ વડોદરા એક્સપ્રેસ હાઈવેના ટોલનાકા પાસે ઉતરી ગયાં હતાં. આમ, લાશ વસંતભાઈની હોવાનું ફલિત થયું હતું.
આ અંગે વાસદ પોલીસે તપાસ હાથ ધરતાં કેટલીક શંકાસ્પદ બાબતો લાગી હતી. આથી, પ્રથમ ટોલનાકાના સીસીટીવી ફુટેજ તેમજ મોબાઇલ લોકેશન તેમજ અન્ય ટેકનીકલ રીતે તપાસ કરતાં જાલુભા તથા વિનુભાઈ બન્નેએ જણાવેલી વિગતોમાં વિરોધાભાસ જોવા મળ્યાં હતાં. તેથી શંકા આધારે બન્નેની અટક કરી આગવી ઢબે પુછપરછ કરતાં તે ભાંગી પડ્યાં હતાં અને તેઓએ જ વસંતભાઈ દવેની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. જોકે, આ હત્યા શા માટે ? કરી તે બાબતે પોલીસે પુછતા તેઓએ કબુલ્યું હતું કે, મહારાષ્ટ્રથી પરત આવતી વખતે રસ્તામાં વસંતભાઈને પેન્ટમાં જ લઘુશંકા થઇ હતી.
જેથી વસંતભાઈ અને જાલુભા વચ્ચે બોલાચાલી થઇ હતી. જે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. જેમાં જાલુભાએ સળીયાનો ફટકો વસંતભાઈને માથામાં મારતા તેઓનું મોત નિપજ્યું હતું. આ હત્યા બાદ જાલુભા તથા વિનુભાઇ ગભરાઇ ગયા હતા અને તેઓએ પુરાવાનો નાશ કરવા માટે વસંતભાઈની લાશને વડોદરા – અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટ્રક નીચે મુકી લાશ ઉપરથી ટ્રક ચઢાવી બનાવને અકસ્માતનું રૂપ આપ્યું હતું. બાદમાં સમગ્ર ઘટના અંગે બોગસ વાર્તા ઘડી કાઢી હતી. આ કબુલાત આધારે વાસદ પોલીસે તેમની પાસેથી લોખંડનો સળીયો તથા ટ્રક કબજે કરી જાલુભા મનુભા પરમાર (ઉ.વ.49, પાળીયાદ, જિ. બોટાદ) અને વિનુભાઈ કલજીભાઈ ધોરીયા (ઉ.વ.55, નાના પાળીયાદ, જિ. બોટાદ) સામે હત્યા, પુરાવાનો નાશ અને મદદગારીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાલુભાનું નિવેદન શંકાસ્પદ રહ્યું હતું
વાસદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.સી. નાગોલે જણાવ્યું હતું કે, ટ્રક ચાલક જાલુભા અને વિનુભાઈના નિવેદનો અલગ અલગ આવતાં હતાં. જાલુભાએ ટોલનાકું મોડી રાત્રિના પસાર કર્યું હોવાનું જણાવ્યું હતું. હકિકતમાં તે વહેલા પસાર થયાં હતાં. આ ઉપરાંત બે ટોલનાકા વચ્ચેનો સમય તથા મૃતક વસંતભાઈને વેરાન જગ્યાએ ઉતારવાનું કારણ શંકાસ્પદ જણાયું હતું.