અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક મોડી રાત્રે ટ્રકચાલકે કાબુ ગુમાવતા ઝુપડા પર ફરી વળતાં ત્યાં સૂઇ રહેલા ગરીબ શ્રમજીવી પરિવારના આઠ વ્યક્તિઓનું કચડાઈ જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિઓને ઇજા થઈ હતી.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ સાવરકુંડલાના બાઢડા ગામ નજીક મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ એક ટ્રકચાલકે સ્ટિટરિંગ પરથી કાબુ ગુમાવતા બાજુમાં આવેલા ઝુંપડા ઉપર ટ્રક ફરી વળી હતી. જેથી ઝુંપડામાં સુઈ રહેલા વ્યક્તિઓ પૈકી આઠ વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે બે બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામને સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બાઢડા ગામ નજીક રેલવે ફાટક પાસે ઝુંપડા બાંધીને રહેતા શ્રમજીવી પરિવાર રાત્રિના સમયે મીઠી નિંદર માણી રહ્યા હતા, કાળમુખી ટ્રક તેમના પર ફરી વળી હતી. જેમાં આઠ વ્યક્તિઓ મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ તેમજ એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ઇજાગ્રસ્ત સહિત તમામને સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ તમામ મૃતકો મૂળ બગસરા વિસ્તારના હોવાનું અને મજૂરીકામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃત્યુ અને ઈજા પામેલા શ્રમિકોની યાદી
આ ગોઝારા અકસ્માતમાં વિરમભાઈ રાઠોડ (ઉ.વ. 35), લાલાભાઇ રાઠોડ (ઉ.વ. 20), પૂજાબેન સાંખલા (ઉ.વ. 08), લક્ષ્મીબેન સાંખલા (ઉ.વ. ૩0), શુકનબેન સાંખલા (ઉ.વ. 13), નરસિંહભાઈ સાંખલા (ઉ.વ. 60), નવઘણભાઈ સાંખલા (ઉ.વ. 65) અને હેમરાજભાઈ સોલંકી (ઉ.વ. 37)નું મૃત્યુ નીપજયું હતું. જ્યારે લાલાભાઇ સોલંકી અને ગીલાભાઈ સોલંકીને ઇજાઓ થવા પામી હતી.
મૃતકોના પરિવારને ચાર લાખની આર્થિક સહાયની સરકારની જાહેરાત
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સરકારે 4 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી હતી, તેમજ ઇજાગ્રસ્તોની ઝડપથી સારવાર થાય અને અકસ્માતમાં ભોગ બનેલા પરિવારજનોને યોગ્ય મદદ મળી રહે તે માટે મુખ્યમંત્રીએ વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.