પારડી : પારડીના ધગડમાળ ગામે હાઇવે (Highway) પર રોંગ સાઇડે એક ટ્રક (Truck) પાર્ક કરી હતી. જેની પાર્કિંગ લાઇટ કે સૂચન માર્ક નહીં મુકતા પારડીથી છૂટક મજૂરી કરી કપરાડા ખાતે પોતાના ઘરે પરત ફરતા બાઈક ચાલક યુવક ટ્રકમાં ભટકાતા ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે કરૂણ મોત (Death) નીપજ્યું હતું.
કપરાડા તાલુકાના ફળીગામ મોટીશેરી ફળિયા ખાતે રહેતો રમણ લક્ષે બળી (ઉવ.36) મંગળવારે પોતાની બાઇક લઈ પારડી મજૂરી કામે આવ્યો હતો. જ્યાંથી તે પરત ઘરે જઈ રહ્યો હતો. ત્યારે હાઇવે પર ધગડમાળ ગામે રોંગ સાઇડે ટ્રક પાર્ક હતી. જેની પાર્કિંગ લાઇટ ચાલુ નહીં હોવાથી રમણ ટ્રક જોઈ નહીં શકતા તે ધડાકાભેર બાઇક સાથે ટ્રકમાં ભટકાયો હતો. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા દોડી આવી 108 એમ્બુલન્સને જાણ કરતા આવી પહોંચી હતી. જોકે, રમણને ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ટ્રક ચાલક તાજુભાઈ ધાકલ કુરકુટીયાએ ટાયર બદલવા ટ્રક ઉભી રાખી હોવાનું રટણ કર્યું હતું. ઘટના અંગે મૃતકના પિતા લક્ષેભાઈએ પારડી પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લગ્ન પ્રસંગે કપડાં લેવા જતો યુવાન ટ્રેનમાંથી નીચે પટકાયો
વલસાડ : વલસાડ નજીકના લીલાપોર અને ચીખલા રેલવે ફાટક વચ્ચે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાંથી લગ્નપ્રસંગના કપડાં લેવા જઈ રહેલો એક યુવાન નીચે પટકાતા તાત્કાલિક રાહદારીઓ તથા પરિવારજનોએ ટ્રેનની ચેનપુલિંગ કરીને ટ્રેન અટકાવી યુવાનને સારવાર અર્થે 108 મારફતે કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભીલાડમાં પ્રીતેશ હરેશ પ્રજાપતિ (ઉંવ.23) તેના પરિવારમાં લગ્નપ્રસંગ હોવાથી ભીલાડ રેલ્વે સ્ટેશન પરથી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને પરિવાર સાથે કપડાં લેવા માટે જઈ રહ્યો હતો. ટ્રેન બીલીમોરા તરફ જઈ રહી હતી, તે દરમ્યાન લીલાપોર અને ચીખલા રેલવે ફાટક વચ્ચે ટ્રેનના દરવાજા પાસે બેઠેલા પ્રીતેશને ચાલુ ટ્રેને ધક્કો લાગતા તે ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો. ઘટનાની જાણ ટ્રેનમાં સવાર અન્ય રાહદારીઓ તથા તે પરિવારના સભ્યોને થતા તાત્કાલિક ટ્રેનની ચેન ખેંચી ટ્રેનને અટકાવી દીધી હતી.
પ્રીતેશની માતા અને પરિવારના સભ્યો ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. ઇજાગ્રસ્ત પ્રીતેશને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવા માટે પરિવારના સભ્યો અને સ્થાનિક લોકોએ 500 મીટર સુધી પ્રીતેશને હાર્ડ બોર્ડ ઉપર ઉંચકીને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતા. ત્યાંથી 108ની ટીમે તાત્કાલિક એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર ચાલુ કરીને પ્રીતેશ પ્રજાપતિને સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ઘટના અંગે વલસાડ GRPની ટીમને જાણ થતાં GRPની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.