દરેકના જીવનમાં કોઈ ને કોઈ મુશ્કેલી કે પ્રશ્ન કે ચિંતા કે પરેશાની હોય જ છે પણ જયારે આ પરેશાનીઓનો સામનો કરવાના સંજોગ સર્જાય ત્યારે દરેક જણ જૂદી જૂદી રીતે વર્તન કરે છે.
સંજોગ એક
એક દંપતીને ત્રણ દીકરીઓ હતી અને સતત તેઓ એ જ ચિંતામાં રહેતાં કે ભગવાને કેટલી મોટી પરેશાનીઓ આપી છે. એક નહિ ત્રણ ત્રણ દીકરીનાં લગ્ન કઈ રીતે કરીશું? સતત આ જ વિચાર અને ચિંતામાં તેમને બીજું કંઈ સૂઝતું જ નહિ અને દેખાતું જ નહિ કે દીકરીઓ હજી તો નાની છે.ભણવામાં હોશિયાર છે.મોટી થશે, પોતાનો માર્ગ શોધશે બસ એક જ તેમના લગ્નની ચિંતામાં દંપતી દબાયેલું રહેતું અને જેમ જેમ સમય વીતતો, દીકરીઓ મોટી થતી અને સાથે સાથે તેમને આ મુશ્કેલી સતત મોટી થતી લાગતી.
સંજોગ બે
સયુંકત કુટુંબમાં બે દેરાણી અને જેઠાણી વચ્ચે બહુ મોટો ઝઘડો થયો ,અબોલા થયા, વાત દિવસે દિવસે વધતી ગઈ અને ત્યાં સુધી પહોંચી કે બંને જણે પોતાના પતિઓની કાનભંભેરણી શરૂ કરી અને પછી જૂદા રહેવા જવાની જીદ…બંને ભાઈઓ વચ્ચે બહુ સારો સંપ અને સમજ હતી.બંને ભાઈઓ ચૂપ રહ્યા. કોઈને કંઈ કહ્યું નહિ અને કંઈ પૂછ્યું નહિ.ઝઘડો વધવાનું ,ઘર તૂટવાનું સંકટ હતું પણ ચૂપ રહેવાથી ઓછું થઇ ગયું. વાત ધીમે ધીમે ઓછી થઈ ને દબાઈ ગઈ, પછી ભૂલાઈ ગઈ.
સંજોગ ત્રણ
એક કુટુંબમાં આર્થિક મુશ્કેલી આવી, ધંધામાં નુકસાન થયું અને આગળ કોઈ માર્ગ દેખાતો ન હતો.પતિ અને પત્નીએ ધીરજ રાખી, ઘર અને દાગીના વેચી નુકસાન ભરપાઈ કર્યું.બાળકોને સાચી વાત સમજાવી અને બંને પતિ પત્નીએ નોકરી શરૂ કરી, મહેનત કરી પૈસા કમાવા લાગ્યા અને એકદમ ઓછા ખર્ચમાં જીવવા લાગ્યાં.ધીરજ અને મહેનતને કારણે થોડાં જ વર્ષોમાં ફરી પોતાનું નાનકડું ઘર ખરીદ્યું.મુશ્કેલી આવી અને ધીરજ રાખવાથી તેમાંથી માર્ગ પણ નીકળ્યો.
સંજોગ ચાર
એક યુવાનની નોકરી છૂટી ગઈ અને મોટી બીમારી પણ આવી પણ તે હિંમત ન હાર્યો.ભગવાન જે કરશે તે સારા માટે એમ સ્વીકારી તે કામ કરતો ગયો.નવી નોકરી ન મળી ત્યાં સુધી છૂટક કામો કર્યાં ઝાડુ કાઢવામાં પણ શરમ ન રાખી.બીમારી સામે પણ હસતા મોઢે લડી લીધું.પોતાનો નાનો ધંધો શરૂ કર્યો તેમાં પણ એક નહિ અનેક તકલીફો આવી પણ તેણે ભગવાનને કોઈ ફરિયાદ ન કરી ,ન શ્રધ્ધાને ડગવા દીધી.
જે માર્ગ નીકળે તે માટે ભગવાનનો આભાર માનતો ગયો.ધીમે ધીમે વેપાર જામી ગયો અને બમણી ખુશીઓ મળી. અહીં સમજવાનું એ છે કે આપણા જીવનમાં પરેશાનીઓ તો છે અને રહેશે પણ આપણે તેનો સામનો કઈ રીતે કરીએ છીએ. જો ચિંતા કરશો તો તે વધતી જ જશે, મોટી થતી જશે. જો ચૂપ રહેશો તો ધીમે ધીમે આપોઆપ ઓછી થઈ જશે. જો ધીરજથી કામ લેશો તો ચોક્કસ એક દિવસ પૂરી થઈ જશે. જો ભગવાન પર ભરોસો રાખશો અને તેનો ધન્યવાદ કરતા રહેશો તો પરેશાની ખુશીઓમાં બદલાઈ જશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.