સંતરામપુર : સંતરામપુરના વોર્ડ નં.2માં આવેલા જૈન દેરાસર બહાર સતત ઉભરાતી ગટરના કારણે જાહેર રસ્તા પર જ ગંદા પાણી ફરી વળે છે. જેના કારણે દેરાસરમાં સવારે દર્શન કરવા આવતા શ્રાવકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે રજુઆત છતાં પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા રોષ જોવા મળી રહ્યો છે. સંતરામપુર નગરમાં આવેલા વોર્ડ નંબર 2ના મેઇન બજાર જૈન દેરાસર પાસે ગટરો ઉભરાતા શ્રાવકો અને સ્થાનિક રહીશો ગંદકીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જેમાં આ બાબતે જાગૃત નાગરિકોએ સંતરામપુર નગરપાલિકાનો સંપર્ક કરી રજુઆતો કરી હોવા છતાં સાફ – સફાઈની કામગીરી કરવામાં આવતી નથી.
સંતરામપુર નગર પાલિકામાં ફરજ બજાવતા સત્તાધિશો આ ગંભીર બાબતે આંખ આડા કાન કરી રહેલા જોવા મળી રહ્યા છે. જેથી અહીંથી પસાર થતા તમામ લોકોમાં ભારે રોષની લાગણી જન્મી છે. જૈન મંદિર પાસે તાત્કાલિક ધોરણે સાફ સફાઈ પાલિકા દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે, સંતરામપુર નગરપાલિકાના સત્તાધીશાે વચ્ચે છેલ્લા કેટલાક સમયથી આંતરીક ખેચતાણ ચાલી રહી છે. જેના કારણે પ્રજાલક્ષી કામગીરીને અસર પહાેંચી છે. નગરમાં સફાઈ સહિતના કામાેમાં પ્રત્યે પાલિકા દ્વારા દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે.