આપણી આસપાસ બનતી ટ્રેડિંગ અને ટ્રોલિંગ ઘટનાઓ આપણી માનસિકતા છતી કરતી હોય છે. એમાં પણ ખાસ કરીને મિમ્સવાળી જે પ્રથા શરૂ થઇ છે. ઓ… હો… હો… એણે તો જે જમાવટ બોલાવી છે. સહેજ પણ કોઇ આડાઅવળું થયું કે ટ્રોલિંગ મિમ્સ વાયરલ થવાના ચાલુ થઇ જાય છે. મોટાભાગના મિમ્સમાં વાસ્તવિકતા અને પારદર્શકતા જોવા મળે છે કારણ કે તેનું ક્રિયેશન કરવાવાળી પેઢી 18 થી 27 વચ્ચેની હોય છે. જેને સત્યને છડેચોક કહેવાની આદત છે પણ ઘણી વાર આવા ટ્રોલિંગમાં કે પછી આડેધડ ગમે તેમ મિમ્સ બનાવવાવાળા અને એને શેર કરનાર લોકોની માનિસકતા પણ છતી થાય છે.
સોશ્યલ મીડિયામાં એટલી ક્ષમતા છે કે કોઇ માણસને ધકકો મારીને ઝીરો ટુ હિરો પણ બનાવી દે છે અને એટલો પાવર પણ છે કે ધુંબો માર્યા વગર ભોંયમાં ખોંસી દે છે. તેને કારણે જ તો ઇન્ફલુઅન્સર નામની (ટેમ્પરરી) સેલિબ્રિટીઓ અસ્તિત્વમાં આવી છે. તેરી…. મેરી… ફેઇમ રાનુ મંડલને સિમ્પથી આપીને રંગેચંગે ચડાવી દીધેલી અને લતા મંગેશકરની કમ્પેરીઝન થવા લાગેલી. એ જ રાનુ મંડલને એક સાથે આપેલા આટલા બધા પ્રસિધ્ધિના પકવાન હજમ ના થયા. એમાં બેનબા ભોંય દઇને પડી ગયાં.
જો કે રાનુબાને રાતોરાત રેશમી કપડાં પહેરાવનાર રેશમિયાજીએ એના ભાગનું કરી લીધું. હમણાં તાજેતરમાં જ રાનુ જેટલો જ સુંદરતા ધરાવતો બચપન કા પ્યારવાળો બચ્ચો સહદેવ આ ટ્રેડિંગ માર્કેટમાં આવ્યો. એને પણ લોકોએ રંગેચંગે અને પ્રદેશના મુખ્ય મંત્રીએ તો ફૂલહાર સાથે વધાવ્યો. સિંગર બાદશાહને તો રોમટીરિયલ મળી ગયું હોય એમ મોડિફાઇ કરીને નવું સોન્ગ પણ બનાવી નાખ્યું. આ પહેલાં આંખ મારીને અંધારા લાવી દેતા પ્રિયાબેને તો ગામ ગજવ્યું હતું પણ આફટર ઓલ આ બધું કેટલે સુધી ચાલ્યું?! એક લોક સાહિત્યકારે આ વાતને જોડતું અદ્ભુત ઉદાહરણ આપેલું કે નદી છલીને એનું પાણી બહાર નીકળી શકે.
તળાવ કે ડેમ ઓવરફલો થઇ શકે છે પણ કયારેય કૂવો ઓવરફલો નથી થતો કારણ કે કૂવાને એના તળનું (પોતાનું) પાણી છે બાકી બધાંને અન્યોનું એટલે વાત એટલી જ છે કે જો ટેલેન્ટ વાસ્તવિક હશે, પોતાનું હશે અને જે પણ લાયકાત (ફેમ) મળે એને લાયક હોઇશું તો અને તો જ ટકશે. આ રીતે ફેમસ થયેલા દરેકના કરિયર કંઇ આટલા પૂરતા સીમિત નથી હોતા. એફર્ટસ અને દમ ખરા અર્થમાં હોય તો એ ટકી રહે છે. બાકી ઇગો ઓવરફલો થઇ જાય. આ એ જ પ્લેટફોર્મ છે જયાં આપણી સીમાઓ તૂટે છે. વિસ્તાર વધે છે. આપણને ગમતું હોય એ બધું જ આપણને મળે છે પણ એ કેટલીક સંકુચિતતાઓ પણ રોપી દે છે. એ જ ખરું જીવન અને સાચુંકલું વિશ્વ છે. એવું પ્રતીત થવા લાગે છે.