ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજીનામું આપી દીધું છે. સીએમ રાવતે આજે બપોરે 4 વાગ્યે રાજભવન પહોંચ્યા બાદ રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું. આ સાથે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા નેતૃત્વ પરિવર્તનનું સંકટ હવે સમાપ્ત થઈ રહ્યું છે.
વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા જન્મેલા આ સંકટ વચ્ચે પ્રથમ વખત ધારાસભ્ય બનનારા ધનસિંહ રાવત રાજ્યના આગામી સીએમ બની શકે છે. એવા સમાચાર પણ છે કે તેમની સાથે ભાજપના નેતા પુષ્કરસિંહ ધામીને રાજ્યના ડેપ્યુટી સીએમની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
સરકારમાં ચાલી રહેલા સંકટ વચ્ચે સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત આજે બપોરના ચાર વાગ્યે રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. અગાઉ, ભાજપ નેતા ધનસિંહ રાવતને આજે બપોરે ઉતાવળમાં દહેરાદૂન બોલાવાયા હતા. હેલિકોપ્ટર મોકલીને તેમને શ્રીનગરથી દહેરાદૂન બોલાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પુષ્કરસિંહ ધામીને પણ દહેરાદૂન લાવવામાં આવ્યો હતો. દહેરાદૂન પહોંચ્યા બાદ ધનસિંહ રાવત મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતને મળ્યા. તેમની સાથે સરકારના વરિષ્ઠ પ્રધાન મદન કૌશિક પણ હતા.
સરકારમાં ચાલી રહેલા સંકટ વચ્ચે આજે સવાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે સંભવત મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતને પદ છોડવું પડશે નહીં. પરંતુ બદલાતી રાજકીય પરિસ્થિતિ વચ્ચે, બપોર પછી સીએમ રાવત રાજ્યપાલને મળ્યા બાદ રાજીનામું આપવાની વાતો સામે આવવા લાગી. આ સાથે ધનસિંહ રાવત મુખ્યમંત્રી બનવાની અને પુષ્કર ધામીની ડેપ્યુટી સીએમ તરીકે નિમણૂક થવાની ચર્ચાઓ પણ રાજકીય કોરિડોરમાં તરતી થઇ હતી.