વિશ્વના દરેક મોટા ધર્મના અનુયાયીઓની વિશેષ પ્રકારે ઓળખ હોય છે. કોઇ પહેરવેશ થકી, વિશેષ પ્રકારના દાઢી-મૂછ થકી, ગળામાં લટકાવાતાં ચિહ્નો, માળાઓ કે ભાલ પર લાગેલા તિલક થકી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ કે બૌધ્ધ લોકો ઓળખાઇ જતા હોય છે. હિન્દુઓમાં પણ ફાંટા – ફિરકાઓ મુજબ પણ કપાળ પરના તિલકથી ઓળખ સરળ બનતી હોય છે. ભારતીય હિન્દુ સન્નારીઓ કપાળ પર ચાંલ્લો કરતી હોય છે. એ સૌભાગ્યનું પ્રતીક છે તો યુવતીઓ પરંપરાને અનુસરી શૃંગાર માટે વિવિધ પ્રકારના ચાંલ્લા કરતી હોય છે. ટૂંકમાં ભાલ પરનો ચાંલ્લો એ હિન્દુ હોવાનું પ્રતીક છે. હિન્દુ પુરુષોમાં પણ સંપ્રદાય મુજબ વિવિધ પ્રકારના, વિવિધ આકારના તિલકો જોવા મળે છે.
જો કે હવે આધુનિક ગણાતા હિન્દુ સમાજના પુરુષો તિલક કરવામાં શરમ અનુભવે છે. માત્ર શુભપ્રસંગોએ જ કપાળ પર તિલક કે ચાંલ્લો કરાવતા યુવાનો – પુરુષોની સામે એક ધર્મપ્રિય લોકોની એવી સંખ્યા પણ છે કે રોજ જે તે સંપ્રદાયનું તિલક કરતા હોય છે. જૈન લોકો પણ પીળા ચંદનનો ચાંલ્લો કરવામાં છોછ નથી અનુભવતા. તિલક અથવા ચાંલ્લો કહીએ છીએ તેનું ધાર્મિક મહત્ત્વ તો ખરું જ પણ સંશોધકોએ વૈજ્ઞાનિક તથ્ય સમજાવતા જણાવ્યું છે કે તિલક લગાવવાથી મન – દિમાગમાં રહેલા સેરોટોનિન અને બીટા એંડાર્ફિન નામનો સ્ત્રાવ સંતુલિતરૂપે એકિટવ રહે છે જે મનને ઉત્સાહિત રાખે છે અને માણસનું વ્યકિતત્વ પ્રભાવશાળી બને છે. ઉપરાંત આત્મવિશ્વાસ દૃઢ બને છે.
સુરતના રંગચિકિત્સક ડૉ. હરેશ મોદી જણાવે છે કે તિલક કરવાથી કલર થેરાપીના સિધ્ધાંત મુજબ માથાનો દુખાવો થતો નથી. માનસિક સંતુલન જળવાઇ રહે છે અને માનસિક બીમારીઓ પણ દૂર થઇ શકે છે. મસ્તિષ્કમાં આવેલ આજ્ઞાચક્ર એ શરીરનું ચેતના કેન્દ્ર છે. ઇડા, પિંગલા અને સુષુમ્ના નાડીઓનો અહીં સંગમ હોય છે એટલે કપાળ મધ્યે થતું તિલક આજ્ઞાચક્રને એકિટવ રાખે છે. માણસને શાંત, ધૈર્યવાન, વિવેકશીલ અને તણાવમુકત રાખે છે.
વૈષ્ણવો અંગ્રેજી કેપિટલ U અક્ષર જેવું ચંદનનું તિલક કરે છે તો સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ એવા જ U અક્ષરના તિલક વચ્ચે કંકુનો ચાંલ્લો કરે છે. રામાનંદીઓ ત્રિશૂલ જેવા આકારનું છેક નાક સુધીનું લાંબું તિલક કરતા હોય છે તો શૈવપંથીઓ ચંદન કે ભસ્મનું ત્રિપુંડ કરતા હોય છે. ચંદનના તિલક માટે પણ હરિચંદન, ગોપીચંદન, સફેદ ચંદન, લાલ ચંદન, પીળુ ચંદન, ગોમતી ચંદન અને ગોકુળચંદન જેવા અનેક પ્રકારે ચંદન ઉપલબ્ધ છે. જેનો વિવિધ ઉપયોગ હોય છે. તિલક માટે વધુ ઉપયોગ અનામિકાનો થતો હોય છે પણ ટચલી આંગળી સિવાય અંગુઠો અને બીજી ત્રણેય આંગળીથી તિલક કરી શકાય છે. પણ ત્રિપુંડ માટે તર્જની, મધ્યમા અને અનામિકા ત્રણેય આંગળીનો ઉપયોગ થાય છે.
ત્રિપુંડ ધારણ કરવાનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ દર્શાવ્યું છે. સાધુ – સંતો અને પંડિતોને આપણે કાયમ ત્રિપુંડમાં જોયા હશે. સામાન્ય રીતે શિવભકતો શુભકાર્યોમાં કે શ્રાવણ માસમાં પૂજા વખતે જ ત્રિપુંડ લગાવતા જોવા મળે છે. શિવપુરાણમાં જણાવાયું છે કે ત્રિપુંડ ધારણ કરવાથી પાપો નાશ પામે છે અને શિવકૃપા બની રહે છે. ત્રિપુંડની મહત્તા જાણવા ઇચ્છક સનત્કુમારોએ ભગવાન કાલાગ્નિરુદ્રને પુછયુ કે: ત્રિપુંડ કેટલુ મોટુ હોવુ જોઇએ અને કેવી રીતે ધારણ કરી શકાય ઉપરાંત તેની ત્રણ રેખાઓનું રહસ્ય શું છે? ત્યારે ભગવાન કાલાગ્નિરૂદ્રએ ખૂબ સરળ રીતે સમજાવ્યું કે હાથની વચ્ચેની ત્રણ આંગળીઓથી ભસ્મ લઇ ડાબી આંખના છેડાની જમણી આંખના છેડા સુધીનું લાંબુ ત્રિપુંડ કપાળ પર ધારણ કરવું જોઇએ. પ્રભાતે ભસ્મમાં પાણી મેળવીને, મધ્યાન્હે ભસ્મમાં ચંદન મેળવીને અને સંધ્યાકાળે કોરી ભસ્મથી ત્રિપુંડ ધારણ કરવું જોઇએ.
ત્રિપુંડની આ ત્રણેય રેખાઓમાં નવ – નવ દેવતાની ઉર્જા અને વાસ રહેલો છે. આગળ જણાવતા કાલાગ્નિરૂદ્રએ કહ્યું કે ત્રિપુંડની પહેલી રેખામાં પ્રણવનો પ્રથમ અક્ષર અકાર, ગાર્હપત્યઅગ્નિ, રજોગુણ, પૃથ્વી, ધર્મ, ક્રિયાશકિત, ઋગ્વેદ, પ્રાત:કાળના હવનનું ફળ અને મહાદેવ બિરાજમાન છે. બીજી રેખામાં પ્રણવનો બીજો અક્ષર ઉકાર, સત્વગુણ, દક્ષિણાગ્નિ, આકાશ, અંતરાત્મા, ઇચ્છાશકિત, યજુર્વેદ, મધ્યાન્હ હવનનું ફળ, અને મહેશ્વર સમાયેલા છે તો ત્રિપુંડની ત્રીજી રેખામાં પ્રણવનો ત્રીજો અક્ષર મકાર, આહવતીય અગ્નિ, તમોગુણ, સ્વર્ગલોક, પરમાત્મા, જ્ઞાનશકિત, સામવેદ, મધ્યાન્હ પછીના ત્રીજા હવનનું ફળ અને શિવ બિરાજમાન છે. એટલે કે ત્રિપુંડ ધારણ કરવા સાથે ત્રણે રેખામાં બિરાજતા નવ-નવ દેવતાઓ ને તમે મસ્તક પર ધારણ કરો છો.
ત્રિપુંડ માત્ર મસ્તક પર જ નહિ પણ શરીરના અન્ય 32, 16, 8 અને 5 સ્થાનો પર પણ ધારણ કરી શકાય છે જેમાં 32 સ્થાનોમાં મસ્તક, લલાટ, બંને કાન, બંને નેત્ર, મુખ, કંઠ, બંને હાથ, બંને કોણીઓ, બંને બાવડા પર, કમર પર બંને બાજુ, નાભિ, હૃદય, બંને અંડકોશ, ઉરના બંને ભાગે, બંને પગ પર, બંને ઘૂંટણ, બંને સાથળ અને બંને પગના પંજાને દર્શાવ્યા છે તો 16 સ્થાનમાં મસ્તક, લલાટ, કંઠ, બંને ખભા, બંને હાથની બાજુઓ, હૃદય, નાભિ, બંને હાથની કોણીઓ, હાથના બંને બાવડા, છાતીની બંને બાજુ તથા ઉર પરના સ્થાનનો સમાવેશ થાય છે. 8 સ્થાનોમાં મસ્તક, લલાટ, બંને કાન, બંને ખભા, હૃદય અને નાભિને ગણાવાયા છે તો અંતે 5 સ્થાનોમાં મસ્તક, બંને હાથના બાવડા, હૃદય અને નાભિને ગણાવ્યા છે.
આ બધાં અંગોમાં દેવતાઓનું સ્થાન હોવાથી ત્યાં ત્યાં ત્રિપુંડ ધારણ કરવું જોઇએ. ત્રિપુંડ ધારણ કરવાથી બધા તીર્થોની પવિત્ર નદીઓના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. ત્રિપુંડ મોક્ષદાયી છે જે મૃત્યુપરાંત ચોર્યાસીના ફેરામાંથી મુકિત પ્રદાન કરે છે. એક ગૌરીશંકર તિલક નામે ત્રિપુંડ પણ છે. શિવ-શકિતના ઉપાસકો ભસ્મ કે ચંદનના ત્રિપુંડ પછી વચ્ચે કંકુનો ચાંલ્લો કરે છે. શૈવ પરંપરામાં અઘોરી, કાપાલિક, તાંત્રિક કે નાથ પંથના અનુયાયીઓના પંથ અને સંપ્રદાય મુજબ ત્રિપુંડ કે તિલક ધારણ કરવાના તરીકા બદલાઇ જતા હોય છે. સામાન્ય રીતે શિવભકતો ત્રિપુંડ ધારણ કરતા હોય તેઓ વિધિવત મંત્રોના જાણતા હોય તો શિવ પંચાક્ષર ૐ નમ: શિવાયના ઉચ્ચારણ સાથે ત્રિપુંડ કરવું. ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક તથ્યોથી સમૃધ્ધ ત્રિપુંડ અવશ્ય શરમ કે સંકોચ વગર ધારણ કરવું જોઇએ.