હથોડા: કોસંબા નજીકના છેડા પર સાંજે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હોન્ડા કારે ટેમ્પાને ટક્કર મારી હતી. જ્યારે ટેમ્પો ઇકો કાર સાથે અથડાઈને પલટી ગયો હતો. આમ એક પછી એક ત્રણ વાહન અથડાયાં હતાં.
અકસ્માતની ગંભીરતા એટલી હતી કે, ત્રણેય વાહન સામેની દિશામાં આવેલા રોડ તરફ ડિવાઈડર કૂદીને ફંગોળાયા હતા. સુરત તરફ જતાં આ વાહનો ડિવાઈડર પરથી પલટી ખાઈને અમદાવાદ તરફના માર્ગ પર પડ્યા હતા. અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોને ઈજા પહોંચી હતી. જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામનો પ્રશ્ન સર્જાયો હતો. છેલ્લા કેટલાક વખતથી આ હાઈવે પર અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. જેના કારણે સ્થાનિક જનતામાં તેમજ હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો ભારે દહેશત અનુભવી રહ્યા છે.
જંબુસરમાં ડમ્પર અડફેટે બાઈકચાલકનું મોત
ભરૂચ: જંબુસર નગરની સેન્ટર પ્લાઝા ચોકડી નજીક ડમ્પર નં.(GJ-16-AV-7333)ના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી લાવી બાઇક નં.(GJ 16 CL 0802) પર સવાર ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ડમ્પરની ટક્કરે બાઇકસવાર વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસ તપાસમાં આમોદ મામલતદાર કચેરીમાં નોકરી કરતા રાજેન્દ્રસિંહ માધવસિંહ સિંધા (ઉં.વ.62) (રહે.,ઓમકાર નગર સોસાયટી, જંબુસર, મૂળ રહે.,વડદલા, તા.જંબુસર)નું મોત નીપજ્યું હતું.
