હથોડા: કોસંબા નજીક ધામણોદ હાઇવે પર શનિવારે એક ટ્રેલર અને ટ્રક તેમજ ટેમ્પો વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ટેમ્પોની કેબિનનો ખુરદો નીકળી જવા સાથે કેબિનમાં ફસાઈ ગયેલા ટેમ્પોના ચાલકનું મોત થયું હતું.
ધામણોદ નજીકના હાઇવે પરથી પસાર થતાં એમ.એચ. 16 સીસી 9842 નંબરના ટ્રેલરના ચાલકે બેદરકારી દાખવીને અચાનક બ્રેક મારતાં અને તેજ સમયે આર.જે. જીઆર 7829 નંબરની ટ્રકના ચાલકે પૂરપાટ ટ્રક હંકારી લાવતાં ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બંને ગાડીઓ વચ્ચે જીજે 15 એવી 9343 નંબરના આઇસર ટેમ્પોને ચપેટમાં લેતાં ટેમ્પોની કેબિનનો ખુરદો નીકળી ગયો હતો. આ બનાવમાં ટેમ્પોચાલક રણજીતસિંહ આસ બહાદુર સિંગને ગંભીર ઈજા થવા સાથે ટેમ્પોની કેબિનમાં ફસાઈ ગયો હતો. જેને મહામુસીબતે બહાર કાઢી સુરત સિવિલ ખાતે સારવાર માટે ખસેડતાં નજીવી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બનાવ અંગે કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઝઘડિયાના ખરચીમાં રસ્તો ઓળંગતા 8 વર્ષીય બાળક પર ટ્રક ફરી વળી
ઝઘડિયા, ભરૂચ: ઝઘડિયાના ખરચી ગામમાંથી પસાર થતાં SOU માર્ગ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં 8 વર્ષીય બાળક પર ટ્રકનાં તોતિંગ પૈડાં ફરી વળતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર થતાં અકસ્માતોની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે. ઉપરાંત GIDC વિસ્તાર સહિતના અન્ય ગ્રામ્ય માર્ગો પણ વધતા જતા અકસ્માતોને લઇને અકસ્માત ઝોન બન્યા છે, ત્યારે અંકલેશ્વર-ઝઘડિયા વચ્ચે ધોરી માર્ગ પર ખરચી ગામ નજીક ટ્રકની અડફેટે 8 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ખરચી ભિલવાડા ગામના જયંતીભાઇ બચુભાઈ વસાવાનો 8 વર્ષીય પુત્ર ઓમકુમાર રોડ ઓળંગતો હતો, તે દરમિયાન પૂરઝડપે આવી રહેલા ટ્રકચાલકે ઓમકુમારને અડફેટે લેતાં માથા અને હાથ-પગમાં ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રકચાલક સ્થળ પર જ વાહન મૂકી નાસી ગયો હતો. આ ઘટના સંદર્ભે મૃતકના પિતા જયંતીભાઇ વસાવાએ ઝઘડિયા પોલીસમથકમાં ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
