આપણે મન અને બુદ્ધિની તાત્ત્વિક સ્થિતિને સમજ્યા. આ અંકમાં ભગવાન કૃષ્ણ આપણને પરમેશ્વરની માયા પરની સ્થિતિની વાત કરી રહ્યા છે. ભગવાન કહે છે,
ये चैव सात्त्विका भावा राजसास्तामसाश्च ये।
मत्त एवेति तान्विद्धि न त्वहं तेषु ते मयि॥
त्रिभिर्गुणमयैर्भावैरिभि: सर्वमिदं जगत्।
मोहितं नाभिजानाति मामेभ्य: परमव्ययम्॥(૭/૧૨-૧૩)
“જે સાત્ત્વિક, રાજસી અને તામસી પદાર્થો છે તે મારામાંથી જ થાય છે. તે મને આધીન છે. આ ત્રણ પ્રકારના ગુણોથી સમગ્ર જગત મોહ પામેલું છે. તેથી આ ત્રણ ગુણોથી પર અને અવિનાશી એવા મને કોઈ જાણતું નથી.” આ સમગ્ર જગત માયામાંથી જ બન્યું છે. આપણો દેહ, પંચ વિષયો, વાસના આ બધું જ માયાનું બનેલું છે. વળી, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ માયા ત્રણ ગુણોની બનેલી છે – સત્ત્વ, રજ અને તમ. ભગવાન શ્રીકૃષ્ણ ગીતાના ૭/૧૪મા શ્લોકમાં કહે છે, “दैवीमाया दुरत्यया।”
ત્રણ ગુણની બનેલી આ મારી માયા તરવી ખૂબ મુશ્કેલ છે. આ ગુણમયી માયાના કર્તા, નિયંતા ભગવાન સ્વયં છે. તેઓ માયાથી પર, ત્રિગુણાતીત, દિવ્ય સ્વરૂપ છે. ભગવાન પોતાના ધામમાં દિવ્ય છે તે માનવામાં બહુ પ્રશ્ન નથી આવતો પરંતુ ભગવાન જ્યારે પૃથ્વી પર નરતનધારી થાય છે ત્યારે તે મનુષ્ય સ્વરૂપમાં માયાનો લેશ પણ નથી, ક્યારેય તેમને માયા સ્પર્શી શકી જ નથી એમ માનવું તે ભલભલાને દુષ્કર થઈ પડે છે. નરસિંહ મહેતા કહે છે, “પોતાના સરખી કરીને જાણે, પુરુષોત્તમની કાયા રે; નરસૈયાના સ્વામીની લીલા, ઓલ્યા મતિયા કહે છે માયા રે.”
સાધારણ મનુષ્યો છે, તે મનુષ્યરૂપ ભગવાનને પણ પોતાના જેવા જ સામાન્ય જાણે છે કારણ કે ભગવાન જ્યારે પૃથ્વી પર મનુષ્યરૂપ ધરી પ્રગટ થાય છે ત્યારે ચાર હાથ કે પાછળ તેજનું વર્તુળ નથી હોતું. તેઓની આકૃતિ અને દરેક ક્રિયા મનુષ્ય જેવી જ હોય છે. શ્રીજીમહારાજ વચનામૃત પંચાળા-૪માં જણાવે છે તેમ ભગવાન પણ કામ, ક્રોધ, લોભ, સ્વાદ વગેરે જેવા ભાવો પોતાનામાં બતાવે. સીતાજીનું જ્યારે હરણ થયું ત્યારે રામચંદ્રજી વૃક્ષ, વેલીને સીતાજીના સમાચાર પૂછવા લાગ્યા હતા. શ્રીકૃષ્ણ ભગવાને પણ અનેક મનુષ્યચરિત્ર બતાવ્યાં હતાં. ભગવાન સ્વામિનારાયણે પણ મનુષ્ય લીલા બતાવી છે.
આમ, ભગવાન સર્વ સમર્થ હોવા છતાં સાધારણ મનુષ્યના ભાવ બતાવતા હોય છે પરંતુ મનુષ્યના સ્વરૂપમાં પ્રગટેલા સર્વ સમર્થ ભગવાનની મનુષ્ય જેવી ક્રિયામાં પણ ભગવાનપણાનો ભાવ પરખવો એ સાચું ભક્તપણું છે. શ્રીકૃષ્ણ ભગવાને ગીતાના ૪/૯૩ના શ્લોકમાં કહ્યું છે, “जन्मकर्म च मे दिव्यम्” મારાં જન્મ અને કર્મ બધું જ દિવ્ય છે. અગ્નિને કોઈ દિવસ ઉધઈ લાગે? સોનાને ક્યારેય કાટ લાગે? ‘ના.’ તેમ ભગવાનને પણ ક્યારેય માયાનો મેલ વળગી શકે નહીં.
મહાભારતમાં ઘણાને લાગ્યું હશે કે શ્રીકૃષ્ણ ભગવાને યુદ્ધમાં યુક્તિથી ભીષ્મ, કર્ણ, જયદ્રથ, દ્રોણ વગેરે ઘણાને મરાવ્યા હતા પરંતુ અભિમન્યુનો પુત્ર પરીક્ષિત જ્યારે મૃત જન્મ્યો ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને જળની અંજલિ ભરી કહ્યું, “મેં રમતમાં પણ ક્યારેય મિથ્યા ભાષણ ન કર્યું હોય તો આ બાળક જીવિત થાય” અને પરીક્ષિત જીવતો થયો. આમ, બાહ્ય દેખાવથી કે આપણી માયિક દૃષ્ટિથી ભલે ભગવાનની ક્રિયા સામાન્ય, માયિક લાગે પરંતુ તે સર્વે દિવ્ય છે. શ્રીજીમહારાજ વચ. વરતાલ-૭માં જણાવે છે, “ભગવાન તો માયાને વિશે આવે ત્યારે માયા પણ અક્ષરધામરૂપ થઈ જાય છે.” પરંતુ શ્રીકૃષ્ણ ભગવાન જણાવે છે તેમ મનુષ્યમાત્ર માયામાં મોહિત છે.
જેમ કમળાના રોગીને બધું પીળું જ દેખાય તેમ માયિક જીવોને દિવ્ય-અલૌકિક એવા ભગવાન પણ માયિક જ પરખાય. પ્રમુખસ્વામી મહારાજ ઘણી વાર કહેતા, “ભગવાન અરીસા જેવા છે. અરીસો શુદ્ધ, સ્વચ્છ છે પણ આપણામાં રહેલાં દાગ, કાળાશ અરીસામાં દેખાય છે. હકીકતમાં તે આપણામાં છે, અરીસામાં નથી” તેમ ભગવાન તો દિવ્ય છે, પણ આપણામાં રહેલી માયાની કાળાશ તેઓમાં ભાસે છે પરંતુ જે મનુષ્ય ભગવાનના આ દિવ્ય સ્વરૂપને સમજી જાય છે પછી ક્યારેય તેને ભગવાનમાં માયિકભાવ પરખાતો નથી.
ભગવાન શ્રીકૃષ્ણ કુબ્જાને ઘરે એકલા ગયા છતાં ઉદ્ધવજીને પ્રશ્ન ન થયો. આમ, ભગવાન તો મનુષ્યચરિત્ર બતાવે પણ વાસ્તવમાં તે ત્રિકાળમાં શુદ્ધ છે. તેને દિવ્ય જાણવા તે આપણું ભક્ત તરીકે કર્તવ્ય છે. વચ. લો.૪માં સ્વામિનારાયણ ભગવાન કહે છે, “ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય.” આમ, આપણે જો માયાથી અલિપ્ત, પર થવું હોય તો ભગવાનાને નિર્દોષ, દિવ્ય સમજવા એ આપણી મુખ્ય સાધના બની રહે છે. તો ભગવાનને ત્રિગુણાતીત સમજી આપણે પણ ત્રિગુણાતીત થઈએ.