Comments

વિકાસના બે અંતિમ છેડે રહેલા બે મહાનુભાવોને અંજલિ

પાછલા અઠવાડિયે ભારતે એના બે સપૂતોને ગુમાવ્યા. એક, ૮૬ વર્ષના રતન ટાટા, જેમણે વિકાસની લહેરને વેગ આપવામાં ખૂબ મોટો ફાળો આપ્યો. દેશ વિદેશમાં ભારતની વિકાસ ગાથાનો તેઓ ચહેરો બની રહ્યા. તો બીજા ૫૭ વર્ષના પ્રો. સાઈબાબા જેમના ભાગે હંમેશા સામા પ્રવાહે તરવાનું આવ્યું અને એ ખુમારીભેર સામા આવતા કરંટનો સામનો કરતાં રહ્યા. તેઓ વંચિતોના માનવ અધિકારના મુદ્દે સંઘર્ષ કરતાં રહ્યા. વર્તમાન ભારતની વાસ્તવિકતાના પરસ્પર અંતિમ છેડે ઊભેલા બે મહાનુભાવો.

રતન ટાટાનું નામ અને કામ કોઈ ભારતીય માટે અજાણ્યું નથી. દેશના સૌથી જૂના અને સૌથી મોટા ઔદ્યોગિક જૂથના ચેરમેન તરીકે તેમણે ૧૯૯૧માં કાર્યભાર સંભાળ્યો. ત્યારથી આજની તારીખ સુધી ટાટા જૂથની સંપત્તિમાં ૧૩૩ ગણો વિકાસ છે, જેમાંથી ભારત સરકારની કાર આવકમાં ૨.૨૪ ટકા જેટલું યોગદાન કરે છે. અન્ય ઉદ્યોગપતિઓ કરતાં રતન ટાટા પોતાની વિનમ્રતા અને ઉદારતાને કારણે અનોખા રહ્યા. એમની મહત્ત્વાકાંક્ષામાં વ્યક્તિગત વૃધ્ધિ કરતાં ભારતના વિકાસ પર ધ્યાન વધુ કેન્દ્રિત હતું. ૧૯૯૧માં શરૂ થયેલા ઉદારીકરણ બાદ ઉદ્યોગ અને વ્યાપારે ભરેલી હરણફાળમાં રતન ટાટાના નેતૃત્વ હેઠળ ટાટા જૂથનો ફાળો ખૂબ નોંધપાત્ર છે.

કોઈ ભારતીય કંપની પણ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ખરીદી ભારતને વૈશ્વિક ફલક પર ઊભું કરી શકે એ ચીલો તેમણે શરૂ કર્યો. એમાં મુખ્યત્વે ચા ની કંપની ટેટલી, જગુઆર અને લેન્ડ રોવર કાર કંપની અને સ્ટીલ કંપની કોરસ ગણી શકાય. આ સાથે વધતી આવક સાથે મધ્યમ વર્ગની વધેલી ખરીદશક્તિને સંતોષવા ઝારા જેવી બ્રાન્ડની સામે ઝૂડિયો જેવી ગજવાને પરવડે એવી બ્રાન્ડ પણ ઊભી કરી. મધ્યમ વર્ગની આકાંક્ષામાં ચાર પૈંડાનું મહત્ત્વ હોય તો પોષાય એ ભાવે એમને મળી રહેવું જોઈએ એ ભાવનાએ એક લાખ રૂપિયાની નેનો સૌથી સસ્તી કાર તરીકે બજારમાં આવી.

સતત નવા શરૂ થતાં સ્ટાર્ટઅપને ટેકો કરવા માટે રતન ટાટાએ વ્યક્તિગત રીતે રસ લીધો અને ઇ-કોમર્સ જેવા અતિ ઝડપે વધી રહેલા ક્ષેત્રે રોકાણ વધાર્યું અને માર્ગદર્શન પણ આપ્યું જેનો ફાયદો બિગ બાસ્કેટ, ઓલા, પેટીએમ, લેન્સકાર્ટ અને અર્બન કંપની જેવા ચાલીસેક જેવા ઊભરતા ધંધાઓને થયો. રતન ટાટા નફાની ગણતરીથી ઉપર ઊઠીને ઘણી બિનસરકારી સંસ્થાઓના સામાજિક ઉદાર દિલે ફાળો આપવા માટે પણ જાણીતા છે.

રતન ટાટા વિકાસનો ઉજળો ચહેરો હતા. વિકાસની ગાથા આદર્શથી ઘણી દૂર છે. ખાનગી નફાની વૃધ્ધિ સાથે સંપત્તિનું કેન્દ્રીકરણ વધતું જોવામાં આવ્યું છે, જે આવકની અસમાન વહેંચણી વગર શક્ય નથી. સમાજનો એક મોટો વર્ગ વિકાસની ગાડીમાં ચડી જ નથી શકતો. એમની પાસે જે સંસાધનો છે તે પણ તેમના હાથમાંથી સરી રહ્યાં છે. ડગલે ને પગલે જેના મૂળભૂત માનવ અધિકારોનું હનન થતું રહે છે. તેમને શ્રીમંતોના દિલમાં અનુકંપા કરતાં વધારે ભારતીય નાગરિક હોવાના સંવિધાનિક હકની જરૂર છે. વિકાસના આ બીજા અંતિમ બિન્દુએ પ્રો. સાઈબાબાની વાત શરૂ થાય છે. અતિશય ગરીબીમાં જન્મેલા અને બાળપણથી પોલિયોની બીમારીમાં અડધા શરીરે વિકલાંગ બનેલા પ્રો. સાઈબાબાનું જીવન દેશના વંચિત સમુદાયમાં જીવાતા સંઘર્ષમય જીવનનો ચિતાર છે.

પોલિયોગ્રસ્ત શરીરને લીધે તેમનું શિક્ષણ મોડું શરૂ થયું. તેમની માતા એમને ઊંચકીને શાળાએ લઈ જતી, પછી તેઓ જાતે ચાર પેજ ચાલીને જતાં. પણ, શાળાના મકાનમાં રેમ્પ ના હોય એટલે ઓટલાની ઊંચાઈ પાર કરી વર્ગ ખંડમાં કેમ કરી જવું? તેમણે એક ઇંટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ ઓટલાની નીચે બેસીને જે સંભળાય એ સાંભળતા. એક વાર શાળામાં ઇન્સ્પેક્શન હતું એટલે એમને ઊંચકીને ક્લાસમાં લઈ જવાયા. ઇન્સ્પેક્ટરના બધા પ્રશ્નોના જવાબ એમણે જે આત્મવિશ્વાસથી આપ્યા ત્યાર પછી કોઈ એમની બુધ્ધિમતાને અવગણી ના શક્યું. તેમણે દિલ્હી યુનિવર્સિટીની રામલાલ આનંદ કોલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું.

દલિત હોય કે આદિવાસી, ખેડૂત હોય કે મજૂર, પ્રો. સાઈબાબા દરેક માનવ અધિકારના સંઘર્ષની સાથે જોડાયેલા રહ્યા. આદિવાસી વિસ્તારોમાં થઈ રહેલાં ભારે ઔદ્યોગિક રોકાણોને કારણે જ્યારે સ્થાનિક લોકોનો અધિકાર જોખમાયો ત્યારે તેમના હક માટેના સંઘર્ષ સાથે જોડાતા રહ્યા. એટલે જ સત્તામાં જે પણ હોય, દરેક પક્ષને નડતાં રહ્યા. માઓવાદી સંગઠનો સાથે જોડાયેલા હોવાનો એમની ઉપર આરોપ લાગ્યો અને તેમણે જીવનનાં લગભગ દસ વર્ષ જેલમાં અમાનુષી સંજોગોમાં એક એવા આરોપ માટે વિતાવ્યાં, જે દસ વર્ષે પણ સાબિત ના થઈ શક્યો અને મહારાષ્ટ્ર હાઇકોર્ટે એમને નિર્દોષ જાહેર કર્યા.

જેલમાં લખેલી તેમની કવિતાઓમાં ભારતની ધરતી સાથે જોડાયેલા છેવાડાના માણસ પ્રત્યેનો ભારોભાર પ્રેમ છલકાય છે. દેશના આ બંને મહાનુભાવોને બે દિવસમાં ઉપરાછાપરી ગુમાવ્યા ત્યારે બંનેનાં જીવન અને તેમણે દેશ માટે આપેલા યોગદાન ઉપર નજર કરતાં ભારતની વિકાસયાત્રામાં રહેલા વિરોધાભાસ તરફ ધ્યાન જાય છે. એકે ભારતની સંપત્તિ વધારવાનું કામ કર્યું તો બીજાએ માનવ અધિકાર માટે અવાજ ઉઠાવતા રહેવાનું કામ કર્યું. બંનેના જીવનની યાત્રા પરસ્પર સામસામેના છેડાની હતી, પણ નોંધપાત્ર હતી.
નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top