SURAT

આદિવાસીઓએ DGVCL કચેરીમાં હોબાળો મચાવ્યો, અધિકારીઓને જમીન પર બેસવા મજબૂર કર્યા

દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કાપોદ્રા સ્થિત મુખ્ય કચેરીમાં આજે અસામાન્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરતી પ્રક્રિયામાં આદિવાસીઓને અન્યાય મામલે આદિવાસી નેતા ચૈતર વસાવા અને અનંત પટેલની આગેવાનીમાં તેમના સમર્થકો અને આદિવાસીઓએ કચેરીમાં હોબાળો મચાવ્યો હતો.

આદિવાસી નેતાઓ તેમના સમર્થકો સાથે કચેરીના પરિસરમાં જમીન પર બેસી ગયા હતા જેના પગલે કંપનીના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. આદિવાસી નેતાઓની વાત સાંભળવા અધિકારીઓ જમીન પર બેસવા મજબૂર થયા હતા.

આજે બે આદિવાસી નેતાઓ કોંગ્રેસના અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ ડીજીવીસીએલની મુખ્ય કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ બંને નેતાઓએ વિદ્યુત સહાયકની પરીક્ષા પાસ કરનાર આદિવાસી યુવાનોને નોકરી ન મળવાના મામલે વિરોધ નોંધાવ્યો હતો.

બંને નેતાઓનો આક્ષેપ છે કે વિદ્યુત સહાયકની પરીક્ષા પાસ કરવા છતાં લગભગ 1800 આદિવાસી યુવાનોને હજુ સુધી નોકરી મળી નથી. આ યુવાનોના હક માટે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા એકજૂટ થઈ ડીજીવીસીએલની કચેરીએ પહોંચ્યા હતા.

આ નેતાઓને અધિકારીઓ તરફથી યોગ્ય જવાબ ન મળતા બંને નેતાઓ કચેરીના કોમ્પલેક્સમાં જ જમી પર બેસી ગયા હતા અને કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ અનોખા વિરોધ પ્રદર્શનને જોતા ડીજીવીસીએલના બે ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. આદિવાસી નેતાઓ જમીન પર બેઠાં હોય તેમની સાથે ચર્ચા કરવા અધિકારીઓએ પણ જમીન પર બેસવું પડ્યું હતું.

અનંત પટેલે આક્ષેપ કર્યું કે, ડીજીવીસીએલ આદિવાસી યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યું છે. પરીક્ષા પાસ કરનારા યુવાનોને નોકરી આપવાના બદલે કંપની આઉટ સોર્સિંગ કરી રહ્યું છે. અગાઉ જુલાઈ મહિનામાં આ મામલે વિરોધ કર્યો ત્યારે 157 લોકોને નોકરી મળી હતી, પરંતુ હજુ 400થી 500 યુવાનોને નોકરી મળી નથી.

આપના ચૈતર વસાવાએ કહ્યું કે, આદિવાસી યુવાનોએ આકરી મહેનત કરી પરીક્ષા પાસ કરી છે. તેઓને નોકરી ન મળે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

ડીજીવીસીએલના અધિકારીઓએ ખુલાસો આપ્યો
આ વિરોધ પ્રદર્શન બાદ ડીજીવીસીએલ દ્વારા અધિકૃત ખુલાસો જાહેર કરાયો હતો. કંપનીએ કહ્યું કે ડીજીવીસીએલ ખાતે કુલ 2906 મંજુર થયેલ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ છે. જે પૈકી છેલ્લા છ મહિનામાં ખાલી પડેલ 195 જગ્યાઓમાં વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ) ને નિમણૂકો આપવામાં આવેલ છે. આમ ઉપરોક્ત મંજૂર થયેલ મહેકમ સામે સંપૂર્ણ જગ્યાઓ ભરવામાં આવેલ છે. તેમજ, ભવિષ્યમાં પડનારી જગ્યાઓ સામે પૂર્વે એપ્રેન્ટીસની યાદીમાંથી લેખિત તેમજ શારીરિક પરીક્ષા દ્વારા પસંદગી કરેલ ઉમેદવારોને નિમણૂકો આપવામાં આવશે.

Most Popular

To Top