સાપુતારા : પાર-તાપી નર્મદા લીંકનાં(Narmada link) જોડાણનાં વિરોધ મુદ્દે ડાંગ (Dang) બચાવો અને ડેમ (Dam) હટાવો અંતર્ગત વઘઇના રંભાસ ગામે ગુજરાત કૉંગ્રેસ (Congress) વિરોધ પક્ષનાં નેતા સુખારામ રાઠવાનાં અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ હતી. અહીં આવનાર દિવસોમાં આદિવાસી સંગઠનોએ તીર કામઠા ઉગામી લડાયક વિરોધની પ્રતિક્રિયા આપી હતી.
દક્ષિણ ગુજરાતમાં નદીઓનાં જોડાણની સાથે નિર્માણ થનારા મહાકાય ડેમોની વાત સામે આવતાની સાથે જ આદિવાસી સમુદાયમાં રોષ ફાટી નીકળ્યો છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નર્મદા લીંકનો વિરોધ ઠેરઠેર જોવા મળી રહ્યો છે. સાથે વિસ્થાપનનાં ભયે આદિવાસીઓ સરકાર પર ફિટકાર વરસાવી રહ્યા છે. પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેકટ અંતર્ગત ડાંગ જિલ્લામાં દાબદર, ચીકાર અને કેળવન મળી ત્રણ જગ્યાએ મહાકાય ડેમોનું નિર્માણ થવાનું છે ત્યારે આ ડેમોનાં પગલે ડાંગ જિલ્લામાં વિસ્થાપન પામતા ગામડાઓમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. થોડા દિવસ અગાઉ આદિવાસી સંગઠનોની કાલીબેલ અને ચીકાર જામલાપાડા ખાતે ડેમ હટાવો અને ડાંગ બચાવો અંતર્ગત મિટિંગ યોજાઈ હતી. જેમાં નિર્ણયનો વિરોધ કરાયો હતો.
પાર તાપી અને નર્મદા લીંકનાં જોડાણની જાહેરાત થતાની સાથે જ આજે ગુજરાત વિધાનસભાનાં કૉંગ્રેસ વિરોધ પક્ષનાં નેતા સુખારામ રાઠવા ડાંગ દોડી આવ્યા હતા અને રંભાસમાં ડાંગ બચાવો ડેમ હટાવો અંતર્ગત અસરગ્રસ્ત ગામોનાં લોકોની સભા મળી હતી. આ કાર્યક્રમમાં માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, કોંગ્રેસ આદિવાસી સેલનાં ચેરમેન અને વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ, માંડવીનાં ધારાસભ્ય આનંદ ચૌધરી, વ્યારાનાં ધારાસભ્ય પુનાજી ગામીત, માજી સાંસદ કિશન પટેલ, ડાંગના આદિવાસી આગેવાન મુકેશ પટેલ, કોંગ્રેસ પ્રમુખ મોતિલાલ ચૌધરી, વઘઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગમન ભોયે, કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે, યુવા પ્રમુખ રાકેશ પવાર, સુર્યકાંતભાઈ ગાવીત, સુનિલ ગામીત, રોશન સરોલિયા, રવિરાજ છગનીયા, વઘઈ તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ, લતાબેન ભોંયે મહિલા કોંગ્રસના પ્રમુખ ગીતાબેન પટેલ, જિલ્લા પંચાયત ડાંગના વિરોધ પક્ષના નેતા અવિનાશભાઈ તેમજ મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી સભામાં ભાગ લીધો. જેમાં આક્રમક રીતે આગળનાં કાર્યક્રમો આપી ડેમ હટાવીને જ રહીશુનું રણશિંગુ ફૂકતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ કાર્યક્રમમાં આદિવાસી આગેવાનોએ તીર કામઠા ઉગામી અગામી દિવસોમાં ઉગ્ર લડતની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
ભાજપાનાં ધારાસભ્યો સહીત મંત્રીઓનું સૂચક મૌન
હાલમાં પાર તાપી અને નર્મદા લીંક પ્રોજેક્ટનો વિરોધ દક્ષિણ ગુજરાતનાં આદિવાસી સમુહદાયમાં દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. તો બીજી તરફ આ લીંક પ્રોજેક્ટનાં મુદ્દે દક્ષિણ ગુજરાતનાં ભાજપાનાં આદિવાસી ધારાસભ્યો સહીત મંત્રીઓએ સૂચક મૌન ધારણ કરી લીધુ છે. ત્યારે ડેમ હટાવો અને ડાંગ બચાવોનો મુદ્દો આવનાર દિવસોમાં સાર્થક થશે કે પછી નિર્થક જશે તે સમય જ બતાવશે.