Charchapatra

ડમી સ્કૂલોનો  ટ્રેન્ડ

આપણા ગુજરાત રાજ્યમાં તથા અન્ય રાજ્યોમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી ડમી સ્કૂલોનો નવો ટ્રેન્ડ જોવા મળે છે. એટલું જ નહીં ડમી શાળાઓનું પ્રમાણ વધતું જાય છે. ડમી શાળાઓમાં શિક્ષકો પણ ઓન પેપર જ જોવા મળે છે. વિદ્યાર્થી ધોરણ 10 પાસ કર્યા બાદ સીધેસીધા કોચિંગ ક્લાસમાં જ પ્રવેશ મેળવી લે છે. સાથે જ ડમી શાળામાં પણ એડમિશન લે છે કે જ્યાં એણે અભ્યાસ માટે જવાનું હોતું નથી પરંતુ એની હાજરી તો શાળામાં સતત પૂરાતી જ રહે છે. વાલી અને વિદ્યાર્થીઓમાં પ્રવર્તમાન સમયમાં ડમી સ્કૂલોની ઘેલછા જોવા મળે છે. આ ડમી શાળાઓમાં વિદ્યાર્થીઓને રેસના ઘોડા સમજવામાં આવે છે. સાચી વાત તો એ છે કે ડમી શાળાઓ વિદ્યાર્થીઓના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે અડચણરૂપ છે.

ડમી શાળાઓ સંદર્ભે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જાગૃતિ આવે એ ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય ત્યારે સરકારે ડમી સ્કૂલ કલ્ચરને ડામવાની જરૂર છે. ડમી સ્કૂલની નવી પ્રણાલી સામે જો સરકારશ્રી દ્વારા સત્વરે પગલાં લેવામાં નહીં આવશે તો શિક્ષણને આવડી અસર થવાની પૂરેપૂરી સંભાવના છે. ડમી શાળાઓ પર રોક લગાવવા માટે સરપ્રાઈઝ ચેકિંગ કરીને સરકાર દ્વારા કડક પગલાં લેવાની તાતી આવશ્યકતા છે. શાળાઓને બદલે કોચિંગ ક્લાસીસમાં ભરચક વિદ્યાર્થીઓની હાજરી ચળકાટ જોવા મળે છે તે વિચારણીય મુદ્દો છે. સીબીએસસી બોર્ડ દ્વારા રાજસ્થાનની 5 અને દિલ્હીની 16 ડમી સ્કૂલોની માન્યતા રદ કરવામાં આવી છે. આ જ પ્રકારની કાર્યવાહી ગુજરાતમાં પણ સમયસર થાય તે જરૂરી છે.
નવસારી           – ડો. જે .એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મંદિરનું પરિસર – સ્વચ્છતાના ધજાગરા!
ગઈકાલે ભુખ્યાને ભોજન, તરસ્યાને પાણી અને નિર્વાસિતો આશ્રય આપનાર વીરપુરના જોગી સંત જલાબાપાની 252મી જન્મજયંતિ ભાવિક ભકતો શ્રદ્ધાથી ઉજવણી કરી હશે. મંદિરના બધા જ પરિસરો એક દિવસ માટે સ્વચ્છ થઈ જશે. ફૂલહાર, તોરણો અને લાઈટની રોશનીથી ઝગમગશે. ડી.જે પર ઉંચા અવાજે ભજનકિર્તન, મહાપ્રસાદનું આયોજન પછી દિવસના અંતે મંદિરના પરિસરમાં ગંદકી જ ગંદકી એઠવાડ, ગંદવાડ, ધ્વનિ પ્રદૂષણ! થઇ ગયી ભક્તિ?  જલાબાપાનું તો સદાવ્રત હતું. પોતાના હાથે જમાડી ભુખ્યાનો જઠરાગ્નિ ઠારવો. રોજ મંદિરનું પરિસર સ્વચ્છ રાખવાની જવાબદારી ભાવિકોની છે. શ્રદ્ધા-ભક્તિ સાથે સ્વચ્છતાના પાઠ દરેકે સ્વયં શીખવાના હોય છે. ત્યારે જ ભગવાન, સંત કે મહંતની સાચા અર્થમાં જન્મજયંતિ ઉજવી ગણાશે. આજ સ્વચ્છતાનો સાચો પાઠ હશે. તો ચાલો, ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતાના’, ‘એક કદમ સ્વચ્છતા કી ઔર’
બીલીમોરા- ચૌધરી ગિરીશ કુમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top