Charchapatra

વૃક્ષદેવતા

ગુજરાતી ભાષાની વાચિક અને લેખિત અભિવ્યક્તિમાં કહેવતોનો ઉપયોગ છૂટથી થાય છે. જેનાથી વાત વધુ સુંદર, સચોટ અને અસરકારક બને છે. વાતને વધુ મર્મસભર અને અસરકારક રીતે પ્રગટ કરી શકાય છે. કહેવત એટલે લોકોકિત, જે લોકજીવનનાં અનુભવના  સારરૂપ હોય છે. જેમાં સાંસારિક ડહાપણનાં દર્શન થાય છે.થોડી ધીરજ રાખો, ભાઈ ! ઉતાવળે આંબા ન પાકે. આ પ્રચલિત કહેવત પરથી આપોઆપ એનો અર્થ સમજાય છે. યાદ રહે કે આ આપણી લોકસંસ્કૃતિનો સાચો વારસાગત ખજાનો છે.

એક અર્થવાળી કહેવતમાં : ઉતાવળે આંબાના પાકે – ધીરજનાં ફળ મીઠાં – એમ કહેવાય. વિરોધી અર્થવાળી કહેવતમાં- ઉતાવળે આંબા ન પાકે -કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, એમ કહેવાય.આંબાની કેરી માટે ગોટલા વાવ્યા પછી વર્ષો સુધી રાહ જોવી પડે છે, શ્રદ્ધા રાખવી પડે છે. ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર. એક પ્રસંગ યાદ આવે છે. એક દિવસ રાજા ગામમાંથી પસાર થઈ રહ્યા હતા, ખરા બપોરે તડકામાં એક વૃદ્ધ છોડ વાવી રહ્યા હતા.

નજીક જઈ રાજાએ કહ્યું , “ તમે જે છોડ વાવી રહ્યા છો તેના પર ફળ આવતાં વર્ષો લાગશે. શું  તમે તેનું ફળ ચાખવા જીવતા રહી શકશો?  વૃદ્ધે કહ્યું કે,  મહારાજ, આપણે બાળપણથી અત્યાર સુધી જે ફળ ખાધાં છે, તેને પણ કોઈ બીજાએ જ વાવ્યાં હતાં. જો તેમણે વિચાર્યું હોત કે તેનાં ફળ બીજાં ચાખશે તો કદાચ તેમણે પણ ઝાડ ન વાવ્યાં હોત.  આથી, જે રીતે આપણાં વડીલોએ ઝાડ ઉગાડયાં છે, એવી જ રીતે હું આગામી પેઢી માટે આ છોડ વાવી રહ્યો છું. વાવાઝોડામાં અનેક વૃક્ષ ધરાશાયી થયાં.વર્ષાઋતુ છે, ચાલો વૃક્ષારોપણ કરીએ. કલમ પણ કરી શકાય. એક આંબા પર વિવિધ પાક લઈ શકાય છે. છોડમાં રણછોડ માની નવાં વૃક્ષો તૈયાર કરીએ તો ભવિષ્ય ઉજ્જવળ બનશે. નવસારી   – કિશોર  આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top