SURAT

સુરતની કોર્ટ નજીક દિવાલ ફાડી ઝાડ કાર પર પડ્યું, ત્રણને ઈજા: રસ્તો બંધ થતા ટ્રાફિક જામ

સુરત: સુરત: છેલ્લાં ત્રણ દિવસથી સુરત શહેરમાં દેમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના લીધે જમીન પોચી થઈ જતા ઠેરઠેર ભુવા પડવાના, જમીન ધસી જવાના તથા વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની રહી છે. આજે સવારે વરાછા રોડ પર એક ઝાડ પડ્યું હતું, તો બપોરે શહેરના હાર્દ સમા અઠવાલાઈન્સ રોડ પર સુરત જિલ્લા કોર્ટની નજીક એક મસમોટું ઝાડ ધરાશાયી થયું હતું. ઝાડ દિવાલ ફાડીને રોડની સાઈડ પર પાર્ક કાર પર પડ્યું હતું. જેના લીધે કારને નુકસાન થયું હતું. આ ઘટનામાં મહિલા સહિત ત્રણને ઈજા પહોંચી હતું. ઝાડ એટલું મોટું હતું કે અઠવાલાઈન્સના બ્રિજ ઉપર પણ તેનો થોડો હિસ્સો પડ્યો હતો. ઝાડ પડતાં જ તંત્ર દોડતું થઈ ગયું હતું. ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

શહેરના મુખ્ય માર્ગ અઠવાલાઈન્સ પર મસમોટું ઝાડ ધરાશાયી થતાં ટ્રાફિકને ભારે અસર થઈ હતી. સ્કૂલ છૂટવાના સમયે ઝાડ પડ્યું હોવાના લીધે બાળકો અટવાયા હતા. અઠવાલાઈન્સ પર એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવતા વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહન ચાલકોએ ગલીઓમાંથી પસાર થવું પડ્યું હતું, જેના લીધે ગલીઓમાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.

અઠવા-ઉમરા પોલીસ સ્ટેશન પાસે ભૂવો પડ્યો
ત્રણ દિવસથી પડી રહેલાં સતત વરસાદના લીધે સુરત શહેરની જમીન પોચી થઈ ગઈ છે. આ સાથે જ શહેરના રસ્તા પર ભુવા પડવા લાગ્યા છે. શહેર પોલીસ કમિશનર કચેરીની બાજુમાં ઉમરા પોલીસ સ્ટેશનની બહાર 12થી 15 ફૂટ ઊંડો ભૂવો આજે સવારે પડ્યો છે. પાલિકાની પ્રીમોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પડી ગઈ છે. પોલીસે ભુવાની ફરતે બેરિકેડ કરી દીધા છે.

વરાછામાં ઝાડ પડતાં રસ્તો બંધ કરાયો
વરસાદ અને ભારે પવનના લીધે વરાછાના ગીતાંજલી વિસ્તારમાં વર્ષો જૂનું ઝાડ ધરાશાયી થયું હતું. ઝાડ પડતા રસ્તો બંધ કરી દેવાયો હતો. રાહદારીઓ અને વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના વધી રહી છે. જેથી ફાયરબ્રિગેડના કર્મચારીઓ સતત દોડતાં જોવા મળી રહ્યાં છે.

કોઝવે બંધ કરાયો
છેલ્લાં ત્રણ દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા છે. થોડી થોડી વાર વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વિયર કમ કોઝ વે પણ ઓવરફ્લોની નજીક પહોંચી ગયો છે. જેથી કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top