ગાંધીનગર: દેશના જરૂરત મંદ અને ગરીબ કુટુંબોને આકસ્મિક સંજોગોમાં સારવાર (Treatment) માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા PMJAY-MA યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે. આ યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધી ૧.૭૭ કરોડ નાગરિકોની વ્યક્તિગત રૂપે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ક્રિટીકલ કેર માટેના તમામ રોગો સહિત ૨૭૧૧ જેટલી પ્રોસીજર હેઠળ સારવાર આપવામાં આવે છે.
વિધાનસભામાં બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 3,09,099 નાગરિકોને આયુષ્યમાન કાર્ડ (PMJAY-MA) આપવામાં આવ્યા છે. પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને આ યોજનાના કાર્ડ મળી રહે તે માટે યોજના સાથે જોડાયેલા તમામ સરકારી હોસ્પિટલ,ખાનગી હોસ્પિટલ, ગ્રામકક્ષાએ ઈ-ગ્રામ્ય સેન્ટરો,યુ.ટી.આઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી એન્ડ સર્વિસીસ લિમિટેડ, એન.કોડ.એજન્સી,કલર પ્લાસ્ટ એજન્સીના નોંધણી સેન્ટર પરથી પરથી કાર્ડ કઢાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં આ યોજના હેઠળ 65,189 દર્દીઓને રૂ.189.47 કરોડની સહાય કરવામાં આવી છે.