SURAT

યુવકને સારવાર આપવાને બદલે સ્મીમેરમાંથી નવી સિવિલ મોકલી દેવાયો, સારવાર દરમિયાન મોત

સુરત: વરાછા (Varacha) મીની બજાર વિસ્તારની કોહિનૂર સોસાયટીમાં રહેતા મિત્રને મળવા ગયા બાદ ચોથા માળેથી પટકાયેલા નેપાળી યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ (Hospital) લઇ જવાયો હતો. જો કે, સ્મીમેરના તબીબો સહિતના સ્ટાફને યુવાનને ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપ્યા વગર સિવિલ હોસ્પિટલમાં જવાનું કહી દેવાયું હતું. નવી સિવિલ હોસ્પિટલમાં યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત (Death) થતાં તેના મિત્રોએ સ્મીમેર હોસ્પિટલની બેદરકારીના આક્ષેપો કર્યા હતા.

નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ નેપાળનો વતની અને હાલ અશ્વિનીકુમાર રોડ ખોડિયારનગર ખાતે રહેતો પારસ તિલક ચૌધરી (ઉં.વ.22) સોમવારે વરાછા મિનીબજાર ખાતે આવેલી કોહિનૂર સોસાયટીમાં મિત્રને મળવા માટે ગયો હતો. જ્યાં રાત્રિના સમયે ચોથા માળેથી અકસ્માતે પારસ ચૌધરી પડી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે મિત્રો સ્મીમેર હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં કેસ પેપર સહિતની કાર્યવાહીમાં મિત્રો વ્યસ્ત હતા અને ફરજ પર હાજર તબીબો સહિતના સ્ટાફે પારસને ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપવાને બદલે તેને નવી સિવિલ હોસ્પિટલ લઇ જવા પારસના મિત્રોને જણાવી દીધું હતું. 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવાયેલા પારસનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. વધુમાં તેના મૃતદેહને હમવતનીઓ અંતિમવિધિ માટે નેપાળ લઇ ગયા હોવાનું વરાછા પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.

આ મામલે સ્મીમેર હોસ્પિટલના સિનિયર આરએમઓ જયેશ પટેલે જણાવ્યું હતું કે, પારસ ચૌધરી નામનો કોઇ દર્દીને ગતરાત્રે સ્મીમેર હોસ્પિટલ લવાયો હતો કે નહીં તેની ઇમરજન્સી સહિત કોઇ પણ વિભાગમાં એન્ટ્રી છે કે નહીં તેની તપાસ કરાવડાવી હતી. જો કે, આવું કોઇ દર્દી સ્મીમેરમાં ગત બે દિવસ દરમિયાન આવ્યું જ નથી.

પત્ની સાથે છૂટાછેડા બાદ માનસિક તણાવમાં પતિનો આપઘાત
સુરત: ઉધનામાં શ્રમજીવીએ બે વર્ષ પહેલાં પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા હોય અને પુત્ર પત્ની પાસે હોય માનસિક તણાવમાં આવી આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ઉધના જલારામનગર નજીક ઓમશ્રી સાંઈનાથ સોસાયટીમાં રહેતા સંજય જયંતી રાઠોડ (ઉં.વ.34) મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન સોમવારે રાત્રે સંજયે તેના ઘરે છતના હૂક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે ઉધના પોલીસે જણાવ્યું હતું કે, સંજયનાં બે વર્ષ પહેલાં છૂટાછેડા થઈ જતાં પત્ની એક પુત્રને લઇ જતી રહી હતી. છૂટાછેડા બાદ પુત્ર પણ પત્ની પાસે હોય માનસિક તણાવમાં આવીને સંજય રાઠોડે આ પગલું ભરી લીધું હતું.

Most Popular

To Top