આણંદ : ચારુતર આરોગ્ય મંડળ દ્વારા સંચાલિત કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલને ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક દ્વારા 51 હજાર ડોલરનું માતબર દાન આપવામાં આવ્યું છે. આ દાન થકી હોસ્પિટલ કોરોના સાથે વધુ મજબુર રીતે લડી શકશે. આ દાન માટે મંડળ અને હોસ્પિટલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જોકે, કોરોના કાળમાં હોસ્પિટલે આણંદ અને બહારના મળી કુલ છ હજાર દર્દીની સારવાર કરી હતી.
ચારુતર આરોગ્ય મંડળને ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક દ્વારા કોવિડના દર્દીઓની સારવાર મળી રહે તે માટે 51 હજાર ડોલરનું માતબર દાન આપવામાં આવ્યું છે. અમેરિકા સ્થિત ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક ઇનકોર્પોરેડના હોદ્દેદારો હર્ષદભાઈ પટેલ, અજય પટેલ, અમિત પરીખ, મહેશ પટેલ, દિવ્યેશ ત્રિપાઠીએ સહાય માટે આહ્વાન આપ્યું હતું. જેના પગલે સદસ્યોએ ભેગા મળીને ફાળો એકઠો કરીને કુલ 51 હજાર ડોલરની માતબર રકમનું દાન ચારુતર આરોગ્ય મંડળને કોવિડ સારવાર માટે સંયત્ર, ઓક્સિજન સિસ્ટમને સુદ્રઢ બનાવવા માટે કર્યું છે. આમ દાતાઓ દ્વારા કરવામાં આવેલી મદદ થકી જ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ચાર હજારથી વધુ દર્દીઓને સારવાર આપી શકાય હતી. જ્યારે એપ્રિલ 2020થી કુલ છ હજારથી વધુ દર્દીઓને આ સેવાનો લાભ લઇ શક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની મહામારીમાં શરૂઆતથી જ શ્રી કૃષ્ણ હોસ્પિટલે સંક્રમિત દર્દીઓને સેવા પુરી પાડી છે. કોવિડના દર્દીઓની સંખ્યા વધતી જવાથી હોસ્પિટલે તેની સારવારની સુવિધામાં પણ વધારો કર્યો હતો. બીજી લહેરમાં હોસ્પિટલમાં રાજ્યભરમાંથી કોવિડના દર્દીઓ સારવાર લેવા માટે આવ્યાં હતાં. જેના માટે હોસ્પિટલે દર્દીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અત્યંત ગંભીર દર્દીઓ, ગંભીર દર્દીઓ અને સ્ટેબલ દર્દીઓ માટે અલગથી વ્યવસ્થા કરી હતી. જેના ભાગરૂપે આઈસીયુ બેડ્સ, મલ્ટીપેરા મોનિટર્સ, વેન્ટિલેટર્સ, ડાયાલિસિસ મશીન જેવા સંશાધનોમાં વધારો કરવો પડ્યો હતો. જોકે, આ સુવિધા ઉભી કરવામાં દેશ – વિદેશના દાતાઓનો સહકાર મળ્યો હતો.