Charchapatra

પહેલા દરેક નાગરિકને સમાન ગણો, પછી સમાન નાગરિક ધારાની વાત કરો

ચૂંટણી પૂર્વે ગુજરાતમાં સમાન નાગરિક ધારાના અમલનું વચન અપાય રહ્યું છે ને બીજી તરફ કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા કહે છે કે રાજ્ય વિધાનસભા પાસે આવા કાયદા બનાવવાની કોઈ સત્તા નથી. તો આમાં હકીકત શું છે? ચૂંટણીપૂર્વે વચન આપવાનો અર્થ તો ચૂંટણી જીતવા માટેના નુસખા રૂપે જ છે. જો ભાજપ સરકારનો ઈરાદો કોમન સિવિલ કોડ લાવવાનો જ હતો તે અત્યાર સુધી કોની રાહ જોતા હતા? વળી આ સમાન નાગરિક ધારા એક લઘુમતિને વશમાં કરવા તેની પર હિન્દુ સરકારનું વર્ચસ વધારવા માટે હોવાનું વધારે જાણાય છે. આ હેતુ યોગ્ય નથી. બાકી આ ધારા આવે તો ખોટું નથી પણ નાગરિકોના એક વર્ગ માટે સજા બને એવા છૂપા એજન્ડા માટે ન લાવાવો જોઈએ. ભારત અને ગુજરાતની સરકાર દરેક નાગરિકને સમાન માનતી થાય પછી જે કરવાનું હોય તો કરે. ને જો કોંગ્રેસ કહે છે તેમ હોય તો સરકારે લોકોને છેતરનારા વાયદા ન કરવા જોઈએ.
અડાજણ          – કનુ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ત્રણ એન્જિનવાળી બાબાગાડી
ગુજરાતને ડબલ એન્જિનવાળી ગાડી તરીકે ઓળખાવવામાં મોદી ગર્વ અનુભવતા હતા. પરંતુ આ ડબલ એન્જીન હજી બરાબર ચાલતા નથી લાગતા. જો ગર્વ લેવા જેવી કામગીરી આ બે એન્જીન કે ‘‘ડબ્બા’’ઓની હોત તો મોદી વારંવાર ગુજરાતના આંટાફેરા મારત નહીં! એનો અર્થ એ કે બંને એન્જીન અને ‘‘ડબ્બા’’હવે કાટ ખાઈ ગયા છે, મોદી નામનું એન્જીન હવે કઈ જગ્યાએ ગોઠવવું તેની મુંજવણ બધાને થવા લાગી છે. ભારતના છેલ્લા ગવર્નર-જનરલ રાજગોપાલાચારી, ઉર્ફે રાજાજી સુરતની મુલાકાતે આવેલા અને કિલ્લાના મેદાનમાં તેમનું પ્રવચન હતું. તેમાં રાજાજી એવું બોલેલા કે, ‘‘જ્યારે દર્દીના રૂમમાં દાકતરોના આંટાફેરા વધી જાય, તો સમજી લેવું દર્દી ગંભીર હાલતમાં છે, મોટા ભાગે તો દર્દી જાય જ છે! દાકતરના ધમપછાડા સારી નિશાની નથી.’’મોદી પોતાને દાકતર સમજતા લાગે છે. દાકતરો તો ઈલાજ કરતા હોય, આ દિલ્હીના દાકતર અનેક રાષ્ટ્રીય સમસ્યાઓ પેદા કરવામાં તે ‘હીરો’અને ઈલાજમાં તો ‘‘ઝીરો’’છે. વારંવાર દાકતર મારતે વિમાને આવ્યા કરે તેમાં એન્જીનો તો બિચારા હતાશ થઈ જાય કે અમારૂં હવે કાંઈ નિપજતુ લાગતુ નથી અને દાકતર દવાઓ બદલ્યા કરે છે. જનતા એમ વિચારવા લાગી છે કે આ દાકતર જ ઉંટ વૈદ્ય છે અને તેને શરીરશાસ્ત્ર કે દવાના શાસ્ત્રની કાંઈ જાણકારી નથી, માત્ર ભાષણશાસ્ત્ર પરથી જ તે ઈલાજ કરે છે! તેણે તો ગાંધી અને વલ્લભભાઈના ગુજરાતને ભવાઈનો મંચ બનાવી દીધો છે. એટલીવાર ગુજરાત આવે છે કે લોકો હવે તેને ‘‘ગુજરાત વિદેશ મંત્રી’’કહેવા લાગ્યા છે. સંકોચાઈ જવાની પણ કોઈ હદ હોય છે! શાહુડી અને લજામણીને જેમ!
સુરત     – ભરત પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top