એક ભિખારી હતો. તેનાં સપનાં હતાં મોટા ધનવાન માણસ થવાનાં. પણ તે કામ કરતો હતો ભીખ માંગવાનું. આખો દિવસ મંદિરની બહાર બેસીને ભીખ માંગતો અને મંદિરના પાછળના ભાગમાં વર્ષો પહેલાં કોઈએ બાંધેલી નાનકડી તૂટેલી ઝૂંપડીમાં તે રાત્રે સૂઈ રહેતો. આખું જીવન તેણે ભીખ માંગવા સિવાય કંઈ કર્યું નહિ. બસ, ભીખ માંગતો રહેતો.ભીખમાં એક સિક્કો આપનારને દુઆ આપતો અને પોતે પણ સતત ભગવાનને પ્રાર્થના કરતો કે કૈંક એવું કર કે મને ભીખારીમાંથી ધનવાન બનાવી દે.પણ ભીખ માંગીને કોઈ અમીર થોડું બની શકે? તે ભિખારી હતો. આખી જિંદગી ભિખારી રહીને જ જીવ્યો અને એક દિવસ ભિખારી રહીને જ મૃત્યુ પામ્યો.ધનવાન બનવાનું તેનું સપનું પણ તેની સાથે મરી ગયું.તેની પાસે કફન માટે પણ પૈસા ન હતા.મંદિરના પુજારીએ અમુક ભક્તો પાસેથી પૈસા ભેગા કરી તેની અંતિમ ક્રિયા કરી.
થોડા દિવસ પછી મંદિરની પાછળના ભાગમાં જે તૂટેલી ઝૂંપડી હતી ,જ્યાં પેલો ભિખારી રહેતો હતો તે જમીન સાફ કરવામાં આવી, ઝૂંપડી તોડી નાખવામાં આવી.તે ઝૂંપડી તોડતાં તેની નીચેથી ખજાનો ભરેલા બે પટારા મળી આવ્યા.ભિખારી બિચારો રોજ જે ધન મેળવવા માંગતો હતો તે તેની એકદમ પાસે જ હતું, પણ તે તેનાથી અજાણ હતો અને જીવનભર ભીખ માંગતો રહ્યો. લોકો પાસે એક એક પૈસાની અને ભગવાન પાસે ધનવાન બનવાની.
આ તો એક આંખ ખોલતો પ્રસંગ છે.આપણે બધા જ આવા ભિખારી છીએ.આપણને જીવનમાં જે જોઈએ છે તે આપણી આસપાસ અને આપણી અંદર જ છુપાયેલું હોય છે, પણ આપણે તેને દૂર દૂર શોધતા ફરીએ છીએ.મનની શાંતિ જોઈએ કે કોઈ પ્રશ્નનો જવાબ , અઢળક સંપત્તિ જોઈએ કે આધ્યાત્મિક ઉન્નતિ સૌથી પહેલાં તમે પોતાની અંદર નજર નાખજો.તમે જ્યાં છો ત્યાં જ શોધી લેજો.સૌથી પહેલાં મજા જોઈએ કે મોજ …સુખ જોઈએ કે ખુશી ..પ્રકાશ જોઈએ કે જ્ઞાન, પહેલાં અંદર શોધજો.
જે પોતાની અંદરથી ખોજ શરૂ કરે છે તેને બીજે કયાંય કંઈ શોધવા જવું પડતું નથી અને જે પોતાની અંદર અને આસપાસ જોવાનું ભૂલીને દૂર દૂર શોધવા દોડે છે તે શોધતો જ રહે છે.પણ કંઈ મળતું નથી.જે કંઈ પણ મેળવવા ઈચ્છો છો તે ખજાનો તમારી પાસે ,તમારી અંદર જ છુપાયેલો છે માટે દુનિયામાં ભટક્યા વિના પહેલાં પોતાની અંદર નજર દોડાવજો,ખોજ – પ્રેમની હોય કે લાગણીની , સુખની હોય કે આનંદની , ભક્તિની હોય કે શ્રધ્ધાની બસ અંતરથી શરૂ કરજો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે