આજે શહેરના એક ટીઆરબી જવાનનો (Surat TRB Guard audio clip goes viral) ઓડિયો વાયરલ થયો છે. આ જવાન પોતે શહેરના એક ઉચ્ચ પોલીસ અધિકારીના ઘરે ઘરકામ કરતો હોવાનું જણાવી રહ્યો છે. મુકેશ નામનો આ ટીઆરબી જવાન બપોરે 2થી રાત્રિના 8 વાગ્યા સુધી ડીસીપીના ઘરે સામાન લાવવો, ગાર્ડનની રખેવાળી કરવા જેવા કામ કરી રહ્યો છે. ટીઆરબી જવાન પોતે એક પોલીસ અધિકારીને ફોન કરી તેમની પાસે ડ્યૂટી માંગી રહ્યો છે. ટીઆરબી જવાન અને પોલીસકર્મીની વાતચીતમાં એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે અનેક ટીઆરબીના જવાનો ડીસીપી, એડીશનલ સીપી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના ઘરમાં સામાન્ય ઘરકામ કરી રહ્યાં છે.
ટીઆરબીના જવાનો પાસે માત્ર ને માત્ર ટ્રાફિક નિયમનનું જ કામ કરાવવાનો આદેશ કરનારા ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબેના (TRB jawan in Surat does housework at DCP traffic Prashant Sumbe’s house, audio goes viral) ઘરે એક ટીઆરબી જવાન ઘરકામ કરતો હોવાનો ઓડીયો વાયરલ થયો છે. સુંબેના ઘરે સવારે અને બપોરે એમ બે શિફ્ટમાં બે ટીઆરબી જવાન ઘરકામ કરી રહ્યાં હોવાનો ઉલ્લેખ આ ઓડિયોમાં મુકેશ નામનો એક ટીઆરબી જવાન કરી રહ્યો છે. પોતે ડીસીપીના ઘરની ઘરવખરી લાવવાનું તથા ગાર્ડનની દેખરેખ રાખવાનું કામ કરતો હોવાનો ખુલાસો પણ ટીઆરબી જવાન ઓડિયોમાં કરી રહ્યો છે.
- સાહેબના ઘરે કામ કરવા ઉપરાંતના સમયમાં તે ડ્યૂટી કરવા માંગી રહ્યો છે. નાઈટ શિફ્ટમાં પણ કામ સોંપવા આ ટીઆરબી જવાન પોલીસકર્મીને વિનંતી કરી રહ્યો છે
આ ટીઆરબી જવાન એક પોલીસકર્મી પાસે ડ્યૂટી માંગી રહ્યો છે. સાહેબના ઘરે કામ કરવા ઉપરાંતના સમયમાં તે ડ્યૂટી કરવા માંગી રહ્યો છે. નાઈટ શિફ્ટમાં પણ આ ટીઆરબી જવાન કામ કરવા તૈયાર છે. સ્વાભાવિકપણે ડીસીપીના ઘરે કામ કરતો ટીઆરબી જવાન રસ્તા પર ફરજ બજાવી રહ્યો નથી, પરંતુ તેને પગાર ટીઆરબી જવાન તરીકેની કામગીરીનો જ મળે છે. આ પગાર શહેરની પ્રજાના ગજવામાંથી આપવામાં આવી રહ્યાં છે. આખોય મહિનો સાહેબના ઘરે ઘરકામ કરતો ટીઆરબી જવાન રસ્તા પર ફરજ બજાવતો જ નહીં હોય અને તેને જે કામગીરી કરતો નથી તેનો પગાર ચૂકવાતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક છેતરપિંડી થઈ રહી હોવાનું પ્રજા અનુભવી રહી છે.
અઠવાડિયા પહેલાં ખુદ ડીસીપી સૂંબેએ ટીઆરબી પાસે માત્ર ટ્રાફિક નિયમનનું કામ જ કરાવવાની સૂચના આપી હતી
નોંધનીય છે કે ગયા અઠવાડિયે જ ડીસીપી ટ્રાફિક પ્રશાંત સૂંબેએ એવી સૂચના આપી હતી કે ટીઆરબી જવાનો પાસે માત્ર ને માત્ર ટ્રાફિક નિયમનની ફરજ લેવી. ડીસીપીએ ગયા અઠવાડિયે આપેલી સૂચનામાં લખ્યું હતું કે, ટીઆરબી જવાનો પાસે માત્ર ને માત્ર ટ્રાફિક નિયમનની ફરજ લેવા માટે અવરનવર લેખિત તથા મૌખિક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં ટીઆરબીના જવાનો દ્વારા એન્ફોર્સમેન્ટની કામગીરી તેમજ વાહનો રોકતા હોવાનું ધ્યાન પર આવ્યું છે. હવે પછી કોઈ પણ ટીઆરબી જવાનો એન્ફોર્સમેન્ટની કામગીરી અથવા તો વાહન રોકવાની કામગીરી કરતા જણાશે તો સંબંધિત સર્કલ અને રિજીયન ઈન્ચાર્જની જવાબદારી ગણી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હવે પોતે ડીસીપી ટ્રાફિક જ પોતે બનાવેલા નિયમનો ભંગ કરી રહ્યાં હોય ત્યારે અન્ય પોલીસ અધિકારીઓ પાસે શિસ્તની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?
ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ હેઠળ ટીઆરબીના જવાનો સેવા આપે છે
ટીઆરબીના જવાનો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ હેઠળ સેવા આપે છે. શહેરમાં 1600ના મહેકમ સામે 1486 ટીઆરબી જવાનો કામ કરી રહ્યાં છે. આ જવાનોનું કામ ટ્રાફિક વ્યવસ્થાનું નિયમન કરવાનું છે. છતાં છાશવારે વાહનોને રોકવા, ભ્રષ્ટ્રાચાર આચરવા અને હવે તો સાહેબોના ઘરમાં ઘરકામ કરવા જેવા કામ આ ટીઆરબીના જવાનો કરતા હોવાના ખુલાસા થઈ રહ્યાં છે, જે ચોંકાવનારી બાબત છે.