ઘોડાને નદી સુધી દોરી જઈ શકાય છે, પણ પાણી તો ઘોડાએ જાતે જ પીવું પડે છે’ – આ ઉક્તિ મુજબ કહી શકાય કે ‘મહેમાનને રસના ચીચોડા સુધી દોરી જઈ શકાય છે, પણ રસ તો તેણે જાતે જ પીવો પડે.’ (…..અને પૈસા યજમાને ચૂકવવા પડે છે!) પણ હવે એવું શક્ય બન્યું છે કે ઘોડાને નદી સુધી લઇ જવો પડતો નથી. ખુદ નદી ઘોડા સુધી આવે છે. એ જ રીતે મહેમાનને શેરડીના ચીચોડા સુધી લઈ જવા પડતા નથી પણ ચીચોડો ખુદ મહેમાન સુધી આવે છે છુક.. છુક..છુક. કરતો આવે છે. પેલો શેર છે.… ‘… હતા મહેમાન એવા કે ઉતારા દોડતા આવ્યા’ની જેમ જ પણ થોડું જુદી રીતે કહીએ તો ‘મહેમાન ગમે તેવા હોય પણ ચીચોડો દોડતો આવે છે.’ છેલ્લા કેટલાક વર્ષોથી શેરડીના રસના બે પ્રકારના ચીચોડા જોવા મળે છે. એક તો એવો ચીચોડો કે જેની પાસે આપણે જવું પડે છે અને બીજો ચીચોડો આપણા સુધી આવે છે એટલે કે નર્મદાના નીર જેવું. પહેલાં લોકોએ નર્મદા સુધી જવું પડતું હતું પણ હવે નર્મદા લોકો સુધી આવી પહોંચી છે.
આ મુદ્દે અધ્યાત્મની અટારીએથી એવું પણ કહી શકાય કે ‘સદગુરુને શોધવા ફાંફાં ન મારો. બસ, લાયક બનો સદગુરુ તમને શોધતા આવશે.’ અહીં એવું કહી શકાય કે તમે પણ ‘ચાતક જેવા રસપ્યાસા બનો, ચીચોડાને લાયક બનો. ચીચોડો તમને શોધતો આવશે!’ એટલે કે હવે હરતા-ફરતા ચીચોડા અસ્તિત્વમાં આવ્યા છે. આવા ચીચોડાનું કામકાજ ગ્રહો જેવું છે. ગ્રહોને બે પ્રકારની ગતિ છે. પરિભ્રમણ ગતિ અને પરિક્રમણ ગતિ. એક તો ગ્રહો પોતાની ધરી પર ફરે છે તેને ‘પરિભ્રમણ ગતિ’ કહેવાય અને તે સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે તેને ‘પરિક્રમણ ગતિ’ કહેવાય. ફરતા ચીચોડામાં આ બન્ને ગતિ છે. ચીચોડાના મશીનના ચક્રો પોતાના સ્થાન ઉપર ફરે છે તે તેની પરિભ્રમણ ગતિ. વળી તે મશીનને કારણે જ ચીચોડો આખા ગામમાં ફરે છે તે તેની પરિક્રમણ ગતિ.
અમારી સોસાયટીમાં દરરોજ એક ચોક્કસ ટાઈમે એક ફરતો ચીચોડો આવે છે જેને હું ‘પ્રવાસી ચીચોડો’ કહું છું. પ્રવાસી ચીચોડો પરથી અહીં ‘’પ્રવાસી શિક્ષક’’ની યાદ આવે. પણ પ્રવાસી શિક્ષકે બિચારાએ ખાસ કોઈ મોટા પ્રવાસો કર્યા હોતા નથી અને તેને મળતા પગારમાંથી તે સારો પ્રવાસ કરી શકતો નથી પરંતુ તે નોકરી મેળવવા માટે જે પ્રવાસો કરે છે, તેને કારણે કદાચ ‘પ્રવાસી શિક્ષક’ કહેવાતો હશે. આવા પ્રવાસી ચીચોડામાં એક લારીને સ્કૂટરના ચાર વ્હીલ બેસાડી તેના પર નાનકડું ડીઝલ એન્જિન ફીટ કરી, જરૂરી સાધનો ફીટ કરી, પ્રવાસી ચીચોડો બનાવવામાં આવે છે. એટલે તે ચીચોડાનો ચલાવનાર બંને પ્રકારે ચીચોડાને ચલાવે છે. ચીચોડામાંથી રસ પણ તે જાતે જ કાઢે છે અને ચીચોડાએ ‘ક્યાં જવું’ તેનું માર્ગદર્શન પણ તે જ આપે છે. આખા ગામના પ્રવાસ માટે ચીચોડો પણ પોતે જ ચલાવે અને ચીચોડાના આધારે જ તેનો સંસાર ચલાવે છે.
પ્રવાસી ચીચોડા નહોતા ત્યારે રસ પીવો હોય તો કોઈને રસનું પાર્સલ લેવા મોકલવા પડતા અથવા મહેમાન કે પરિવારને સાથે લઈને ચીચોડે જવું પડતું. ત્યારે તકલીફ એ થતી કે રસ પીવા માટે બધા સભ્યો, મહેમાન વગેરે ઉત્સુક હોય છે પણ ચીચોડા સુધી જવાના મુદ્દે એકાદ સભ્ય ઉદાસ હોય છે. આપણે જાણીએ છીએ કે ઉદાસને કોઈ રસ પ્રાપ્ત થતો નથી (સોમરસ પણ નહીં.) અહીં તેને કારણે બીજાને પણ રસક્ષતિ થાય છે. વળી રસ પીવા માટે બહાર જવું પડે ત્યારે ઘરેલુ ડ્રેસ ઉતારીને બીજા કપડા પહેરવા પડે.
આશાસ્પદ બહેનોએ હળવો મેકઅપ પણ કરવો પડે. આવા પરિવારને ઘરની બહાર નીકળવામાં ઘણી વાર લાગે. તેમાં કેટલીક વાર રસીલાઓની રસમંછા મરી પરવારે છે. એટલે ચીચોડે રસ પીવા જવું ઘણી વાર અગવડભર્યું બની રહે છે. આવા સમયે ઘરનો એકાદ સભ્ય પણ કહે કે ‘મારે નથી આવવું.’ આ રીતે મહેમાન આળસ કરે એટલે આખા પ્રોગ્રામની પથારી ફરી જાય. પછી તો રસાતુર મનુષ્યોએ પણ ફ્રિજના બાટલાનું ઠંડું પાણી પીને મન મનાવવું પડે છે. પછી તેઓ કહે કે મૂળ તો આપણે ઠંડકની જરૂર હતી ને! પણ તેની આવી ઠંડકને કારણે યજમાનનું મગજ તપી જાય છે.
સ્થાયી ચીચોડાનું જમા પાસું એ છે કે મહેમાનને રસ ન પાવો હોય પણ ગોળી પાવી હોય તો એવું કહી શકાય કે ‘ચીચોડો બહુ દૂર છે’, ‘ત્યાં ભીડ બહુ હોય છે’, ‘હજુ તો તાપ બહુ છે’ આવા વાજબી કારણો (હા,પનોતી જેવા મહેમાન માટે આ કારણો વાજબી જ ગણાય.) આપીને રસના ખર્ચમાંથી બચી શકાય. ઘરમાં રસનાનું પેકેટ ખોલી તેના બે ચમચી એસેન્સમાંથી બત્રીસ ગ્લાસ ઠંડું પીણું બનાવી શકાય. અલબત્ત, મહેમાનને રસને બદલે ગોળી પાવાની શરૂઆત કરીએ તો કેટલાક મહેમાન સજેશન કરે કે તો પછી તમે જઈને રસનું પાર્સલ લેતા આવો ને! ત્યારે યજમાનને થાય કે મહેમાન વાંદરી પાનું છે, પોઇન્ટ ન હોય તો ય પકડી લે છે.
આપણે ખાસ કરીને ઉનાળાની ભયંકર ગરમીમાં રસ પીવા માટે ચીચોડે જઈએ છીએ પણ ત્યાં સારી બેઠક વ્યવસ્થા હોતી નથી. બે-ત્રણ પ્લાસ્ટિકના તૂટેલા સ્ટૂલ, બે-ત્રણ લાકડાના ખોખા અને એકાદી ઊંધી રાખેલી સ્ટીલની ડોલ પર બેસવું પડે છે. પછી રસનો ગ્લાસ પીતી વખતે લાકડાનું ખોખું કે ડોલ આમ-તેમ ડોલે છે ત્યારે તેના પર શરીરને બેલેન્સ કરવામાં જ રસનો સ્વાદ વિસરાઈ જાય છે. તેથી રસ પીવાનો પૂર્ણાનંદ પ્રાપ્ત થતો નથી. જ્યારે પ્રવાસી ચીચોડામાં આ બધી જ સમસ્યાઓનો ઉકેલ રહેલો છે. તે ઉનાળાના ધોમધખતા તાપમાં આપણા દરવાજે આવીને ટકોરા મારે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં આંગણે આવીને ઊભેલો ચીચોડો કામધેનુ જેવો લાગે છે.
આવા ચીચોડાને જોતા જ આપણા હૈયે ટાઢક થાય. જો શરીરમાં પણ ટાઢક કરવી હોય તો રસ પીવો પડે છે. ઘણા ફક્ત હૈયાની ટાઢકથી રોળવી લે છે. કેટલાક જિજ્ઞાસુઓને પ્રશ્ન થાય કે આ ડીઝલ એન્જિન મશીનને ચલાવે અને રસના રથને પણ રસ્તા પર ચલાવે એ બંને વચ્ચેનું સંકલન કઈ રીતે સાધી શકાતું હશે? જવાબમાં જિજ્ઞાસુને કહેવાનું મન થાય કે રસ અથવા રસ મશીનને જાણો નહીં પણ માણો. ઘેર બેઠા-બેઠા ઘૂંટડે-ઘૂંટડે રસને માણો, તેની ઠંડકને માણો. જાણવાની ઝંઝટ છોડી દો. જો જાણવામાં પડશો તો ક્યારેય માણી શકશો નહીં. જાણવું અને માણવું બંને એક સાથે થઈ શકતું નથી. તેથી જિજ્ઞાસુ, ચીચોડાની જેમ જ આપણને છોડીને બીજા પાસે જઇને આ પ્રશ્ન કરે છે.
આમ તે એક પ્રકારનું હરતું-ફરતું પ્રશ્ન પેપર હોય છે, જે કદી ફૂટતું નથી ને ખૂટતું ય નથી! તેને રસ પીવા/પાવા કરતાં પોતાના પ્રશ્નોમાં વધુ રસ હોય છે. પ્રવાસી ચીચોડો આપણા આંગણે પધારે અને આપણી નજર સામે જ રસ કાઢે ત્યારે આપણે સૌ તે પ્રક્રિયાને રસપૂર્વક જોતા રહીએ છીએ. કારણ કે રસ નીકળી રહે એટલા થોડા સમયમાં આપણને બીજા કાર્યમાં રસ પડતો નથી. ભલે તે કાર્ય આપણા રસનો વિષય હોય. હા, આજુબાજુની બહેનો એકબીજાને મળે તો તેઓ સમયનો સદુપયોગ કરી લે ખરી! જ્યારે આપણે સ્લીપર પહેરી, પહોળા પગ કરી, કમરે હાથ ટેકવીને, પરાણે ધીરજ ધરીને રસપ્રતીક્ષામાં ઊભા હોઈએ. આ પણ એક મજા છે.
જેમ પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવવધારા ઉપરાંત શાસનકર્તાઓ જનતા પર બીજા પણ છૂપા કર ઠોકી દે છે, પછી આપણને થાય કે હવે જનતામાં કાંઈ રસકસ રહ્યા નથી એટલે હવે કોઈ નવા વેરા કે ભાવવધારા નહીં થાય પણ ત્યાં તો આપણી કલ્પના બહારના મુદ્દાઓ પર વધારાના ચાર્જ, વેરા લગાડવામાં આવે અને ફરી ભાવવધારો થાય. એટલે ફરીથી એ જ જનતાનો પાછો કસ નીકળે. આ રીતે સતત થતું રહે છે. રસના ચીચોડો આપણને એ ઘટના તાદ્રશ્ય કરી બતાવે છે.
ચીચોડાનો ચાલક સૌ પ્રથમ એક સાથે શેરડીના ત્રણ સાંઠા ચીચોડોમાં ચડાવે છે તે પિલાઈ ગયા પછી આપણને એમ થાય કે હવે તેમાંથી કાંઈ નીકળે એમ નથી એટલે તેને છોડી દેશે. પણ ત્યાં તો પિલાયેલા સાંઠાને બેવડા વાળી વચ્ચે લીંબુનું ફાડિયું મૂકી (‘ભૂતકાળમાં લીંબુ મુકાતા’ ) પાછા ચીચોડે ચડાવે. આપણા આશ્ચર્ય વચ્ચે પાછો તેમાંથી રસ નીકળે પણ પછી થાય કે ‘હવે તો ફેંકી જ દેશે.’ ત્યાં તો તેમાં પોતાનો ઘૂંટણ મારી, ચીચોડાની લારીની કિનારી પર છોતાને પછાડી, બેવડા ચોવડા વાળીને ફરી ચીચોડે ચડાવે છે. કોઈને ચીચોડે ચડાવવું હોય તો સૌ પ્રથમ તેને બેવડું ચોવડું વાળીને અધમૂઉ કરવું પડે છે. આવા સમયે છોતરા ચીચોડામાં જવાનો સંપૂર્ણ ઇનકાર કરે છે તે પગ ભરાવે છે. અરે, ચીચોડાના ચકરડા ધીમા પડી જાય છે.
છતાં પેલો ચાલક છોતાને એક હાથથી ધક્કો મારી બીજા હાથથી ચીચોડાનું ચકરડું ફેરવી છોતાને ચીચોડામાંથી કાઢયે જ છોડે. આમ, શેરડીનું અસ્તિત્વ નાબૂદ ન થાય ત્યાં સુધી તેનો કસ કાઢે છે. બસ, આ જ રીતે જનતાનો પણ કસ કાઢવામાં આવે છે. હા, ક્યાં ક્યાંથી કેટલો રસ-કસ નીકળી શકે તે પારખવાની આ લોકો પાસે આગવી નજર હોય છે. એટલે શેરડી અને જનતાએ ગમે ત્યારે કોઈ ચીચોડે ચડવા માટે તૈયાર રહેવું પડે છે.
છેવટે રસના પ્યાલા ભરાય અને જઠરાગ્નિથી ઝળહળતી હોજરીમાં ઠંડો ઠંડો રસ જાય. એક-એક મોટો ગ્લાસ પીધા પછી યજમાન પૂછવા ખાતર મહેમાનને પૂછે કે ‘હજુ એકાદ ચાલશે!’ મહેમાન મોળી મોળી ના પાડ્યા પછી બોલે, ‘…તો તમારી ઈચ્છા. એવું હોય તો ઠપકારીએ! એમાં શું?’ અલ્યા, ઈચ્છા તેની કે તારી?! આમ કુલ 3-3 ગ્લાસ પીધા પછી મહેમાન ધરાય. પછી બોલે, ‘આમ તો આ ગરમીમાં રસ નડે નહીં.’ ‘અલ્યા, તને ન નડે, યજમાનને તો નડે જ ને!’ 3-3 ગ્લાસ શેરડીનો રસ પી જાય (અને જમવા બેસે ત્યારે 10-10 વાટકા કેરીનો રસ પી જાય.) પછી ચીચોડાવાળો વગર કહ્યે ત્યાંથી આગળ વધવાની તૈયારી કરે, ત્યાં જ મહેમાન ચીચોડાવાળાને પૂછે, ‘તમે દરરોજ અહીં આવો છો?’ ચીચોડાવાળો કહે, ‘હા, આ ટાઈમે દરરોજ આવું છું.’ આ સંવાદ સાંભળી યજમાનને થાય કે હવે ચીચોડે ચડવાનો આપણો વારો છે!
– ગરમાગરમ –
એક મોહનની (ગાંધી બાપુની) સૂતરની આંટી અને બીજા મોહનની પગની આંટી! આ બીજા મોહનની આંટીમાં આવ્યો તે ગ્યો કામથી.