રાજકીય ફંડોની પારદર્શીતા

બે–ચાર દિવસ પહેલાના એક દૈનિકમાં  રાજકીય પક્ષો અને ઉમેદવારો  દ્વારા ચૂંટણીઓમાં થતા ખર્ચાઓ અને એમને મળતા દાનની રકમ સંદર્ભે સુચવાયેલ ચૂંટણી વિષયક ઇચ્છનીય સુઘારા અંગે વાંચતા લાગ્યુ કે લગભગ બારેમાસ ચાલતી એક યા બીજી ચૂંટણીમાં વિવિઘ પક્ષો અને રાજકીય નેતાઓની સભામાં ઉભરતા લોકટોળા, બેનરો, ઘ્વજોની સંખ્યા, મંચની વિશાળતા અને અન્ય ચૂંટણી લક્ષી ખર્ચા વિગેરે જોતા ચૂંટણીપંચ દ્વારા નક્કી થતી ખર્ચની મર્યાદાનો અર્થ સરતો હોય એવુ જણાતુ નથી. અલબત્ત ચૂંટણી ખર્ચની મર્યાદા ઉમેદવારની જાહેરાત થયા પછી જ લાગુ પડે છે. પરંતુ  રાષ્ટ્રીય પક્ષોને અલગ અલગ વ્યક્તિઓ, સંસ્થા અને ઉદ્યોગગૃહો દ્વારા દાન અથવા અન્ય સ્વરૂપે નાણાંકીય ભંડોળ પ્રાપ્ત થતુ જ હોય છે જેની પુરેપુરી વિગતો–માહિતી (કદી) જાહેર થતી નથી.

૨૦૧૮માં ઇલેકટોરલ બોન્ડની યોજના અમલમાં મુકાઇ  જે યોજના અંતર્ગત રાજકીય પક્ષો આપણા દેશ કે વિદેશમાંથી ફંડ મેળવી શકે છે જેમાં દાન આપનારની વિગતો જાહેર કરવાની હોતી નથી. આ કાયદાને અમલમાં મુકવા માટે ઇન્કમ ટેક્ષ એક્ટ, કમ્પનીઝ એક્ટ અને એફસીઆરએ (ફોરીન કરન્સી રેગ્યુલેશન એક્ટ) માં સુઘારા કરવામાં આવ્યા જેમાં દાન આપનાર અને મેળવનારની વિગતો આપવાની જરૂરિયાત રદ કરવામાં આવેલ. આ સુઘારાને કારણે કોને (કયા પક્ષને), કોણે કેટલી રકમ દાન (ચૂંટણી ભંડોળ) સ્વરૂપે આપી એ સંપૂર્ણપણે ગુપ્ત રહે છે. અલબત્ત સુપ્રીમ કોર્ટમાં ઇલેક્ટોરલ બોન્ડ અંગેનો કેસ પેન્ડીંગ છે.

એનો નીકાલ થાય ત્યારે ખરો. પરંતુ દેશના લોકોને સ્પર્શતા કાયદાઓ રાજકીય પક્ષો દ્વારા જ ઘડાય છે અને એનું અમલીકરણ સત્તાપક્ષની વહીવટી પાંખ દ્વારા જ થાય છે એથી પણ કયા પક્ષને કેટલી મદદ કોના તરફથી મળી એ ખાસ કરીને ઇલેક્ટોરલ બોન્ડની જોગવાઇ થયા પછી લોકોની જાણમાં આવે એમાં કશુ જ ખોટુ નથી એટલુ જ નહીં પરંતુ રાજકીય ફંડોની પારદર્શીતા માટે પણ આ માહિતી જરૂરી બની જાય છે.  અમેરિકામાં પોલીટીકલ એક્શન કમિટીની જોગવાઇને કારણે  ત્યાંના લોકો જાણી શકે છે કે કયા માલેતુજારો તરફથી  ડેમોક્રેટ કે રિપબ્લીકન પક્ષને નાણાંકીય મદદ મળે છે.  ભારતીયો પણ શું જાણી ન શકે કે ભાજપ, કોંગ્રેસ કે અન્ય પક્ષને કોના તરફથી કેટલું કેટલુ ફંડ પ્રાપ્ત થાય છે? .
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top