સુરત: (Surat) ધીરે ધીરે અનલોકમાં શાળા-કોલેજો પણ શરૂ કરવામાં આવી રહી છે. જેથી શાળા-કોલેજોમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મનપા દ્વારા જે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ (School College Students) આવી રહ્યા છે ત્યાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત શનિવારે મનપા દ્વારા વધુ 39 શાળા-કોલેજોમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં બે વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, લિંબાયત ઝોનમાં ડિંડોલી વિસ્તારની જ્ઞાન ભારતી શાળાના બે વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મનપા દ્વારા કુલ 39 શાળામાં 2058 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ આજ શાળાના એક વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
શહેરમાં માત્ર 42 પોઝિટિવ દર્દીઓ નોંધાયા
સુરત: શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. દિવાળી બાદથી કોરોનાના સંક્રમણમાં ખાસ્સો એવો ઘટાડો થયો છે. શહેરમાં પ્રતિદિન 50 થી ઓછા પોઝિટિવ દર્દીઓ હવે નોંધાઈ રહ્યા છે. શનિવારે શહેરમાં માત્ર 42 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને તે સાથે જ પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 39,416 પર પહોંચ્યો છે. તેમજ શહેરમાં વધુ 51 દર્દીઓ સાજા થવાની સાથે અત્યાર સુધીમાં કુલ 38,275 દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ 97.11 ટકા પર પહોંચ્યો છે. હાલમાં એકટિવ કેસો માત્ર 1,141 જ છે.
- કયા ઝોનમાં કેટલા કેસ?
- ઝોન પોઝિટિવ દર્દી
- સેન્ટ્રલ 04
- વરાછા-એ 03
- વરાછા-બી 03
- રાંદેર 10
- કતારગામ 06
- લિંબાયત 02
- ઉધના 02
- અઠવા 12
પાંચથી છ દિવસમાં તમામ હેલ્થવર્કર્સ પ્રથમ ડોઝ આપી દેવાશે
શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. કોરોનાના સંક્રમણમાં પણ હવે ઘટાડો થઈ રહ્યો છે તેમજ વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારબાદ બીજા તબક્કામા ફ્રન્ટલાઈન વર્કર્સને આવરી લેવાશે અને કો-મોર્બિડ પેશન્ટોને વેક્સિન આપવામાં આવશે. આવનારા પાંચથી છ દિવસમાં હેલ્થ વર્કર્સને પ્રથમ ડોઝ આપી દેવાશે જેની સાથે સાથે ફ્રન્ટલાઈન વર્કર્સને પણ વેક્સિન મુકવાની તૈયારી મનપા દ્વારા કરવામાં આવી છે. જેથી આજથી ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન મુકવાની શરૂઆત કરાઈ હતી.
શહેરમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. જેમાં અત્યારસુધીમાં કુલ 8 દિવસ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી છે. છેલ્લા આઠ દિવસમાં કુલ 336 સેન્ટરો પરથી 21,651 હેલ્થ વર્કર્સને વેક્સિન મુકી દેવામાં આવી છે. શહેરમાં 36,000 કરતા વધુ હેલ્થ કેર વર્કર્સ છે ત્યારે અડધાથી વધુને વેક્સિન મુકી દેવાઇ છે. સરકારની મળેલી સૂચના અનુસાર હેલ્થ કેર વર્કર્સમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે.