સુરત: સચિન પોલીસે બાતમીને આધારે ખરવાસા બ્રિજ પાસેથી ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઓટો રિક્ષાચાલક અને કિન્નરને પકડી પાડ્યા છે. ઓટો રિક્ષામાંથી 426 નાની પ્લાસ્ટિકની બોટલોમાં ભરેલા વિદેશી દારૂનો જથ્થો, કિંમત રૂ. 1,09,414/- જપ્ત કર્યો છે. આ ઉપરાંત, ઓટો રીક્ષા રૂ. 1,25,000, બે મોબાઈલ ફોન રૂ. 20,000 અને રોકડ રૂ. 17,000/- મળી કુલ રૂ. 2,71,414નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
- સચિન પોલીસે ખરવાસા બ્રિજ પાસેથી બાતમીને આધારે રિક્ષા ઝડપી પાડી હતી, રિક્ષાચાલકની પણ ધરપકડ
પોલીસ કમિશનરની સૂચનાઓ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે સચિન પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું. જે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના ASI ઇન્દ્રજીતસિંહ અમરસંગ વનારને મળેલી બાતમીના આધારે, પોલીસે ખરવાસા ગામ બ્રિજ પાસે ઓટો રિક્ષાને રોકી તપાસ કરી હતી. પોલીસે ઓટો રિક્ષામાંથી 426 નાની પ્લાસ્ટિકની બોટલોમાં ભરેલા વિદેશી દારૂનો જથ્થો, કિંમત રૂ. 1,09,414/- જપ્ત કર્યો છે. પોલીસે દારૂનો જથ્થો લઈ જનાર સૂરજ અજયભાઈ પટેલ (ઉ.વ. 30, રિક્ષા ડ્રાઈવર, રહે. મહાદેવનગર, બમરોલી રોડ, પાંડેસરા,) અને માહીકુંવર ઉર્ફે મેહુલકુમાર નવીનભાઈ કહાર (ઉ.વ. 38, રહે. નાનપુરા, હીજડાવાડ, સુરત) વિરુદ્ધ ગુજરાત નશાબંધી ધારા એક્ટ મુજબ ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.