ધેજ: ચીખલી તાલુકાના છેવાડાના સારવણી ગામના નવાનગરમાં વીજ કંપનીના બેદરકારી ભર્યા વહીવટ વચ્ચે ટ્રાન્સફોર્મર નીચે પડવાની આરે પહોંચી અધ્ધર લટકતા થઈ ગયા છે. વળી, આ ટ્રાન્સફોર્મરના ખુલ્લા ફ્યુઝ બોક્ષમાં લાંબા સમયથી ફ્યુઝ જ નથી. તેથી આ ટ્રાન્સફરમાં ફોલ્ટ સર્જાતા વીજળી ડુલ થઈ હતી.
વીજકંપનીના અનાવલ સબ ડિવિઝનના તાબામાં આવતા સારવણી ગામના નવાનગર સ્થિત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર બુધવારના રોજ સવારના સમયે સ્ટેન્ડ પરથી સરકી અધ્ધર લટકી જતા સાથે ફોલ્ટ સર્જાતા નવાનગર અને કોલા ફળીયામાં વીજળી ડુલ થઈ જવા પામી હતી. બીજી તરફ ટ્રાન્સફોર્મર અધ્ધર લટકતા અકસ્માતનો ભય ફેલાયો હતો. આ ઉપરાંત આ ટ્રાન્સફોર્મર સ્થિત ફ્યુઝ બોક્ષ લાંબા સમયથી ખુલ્લી હાલતમાં હોવા સાથે ફ્યુઝ જ નથી.
આ ટ્રાન્સફોર્મર અને ફ્યુઝ બોક્ષ અંગે સ્થાનિકો દ્વારા રજુઆત કરવા છતાં વીજ કંપનીના જવાબદારો દ્વારા ગંભીરતા દાખવવામાં ન આવતા ટ્રાન્સફોર્મર નીચે પડી જવાના આરે પહોંચી ગયું હતું. વધુમાં સ્થાનિક આગેવાન દ્વારા જાણ કર્યાના કલાકો બાદ પણ વીજ કંપનીના કોઈ કર્મચારી ન ફરકતા સ્થાનિકોમાં રોષ ફેલાવા પામ્યો હતો.
ટ્રાન્સફોર્મર અધ્ધર લટકવા સાથે ખુલ્લા ફ્યુઝ બોક્ષની સ્થિતિમાં અજાણતામાં કોઈ નજીકથી પસાર થાય તો અકસ્માત પણ સર્જાઈ શકે તેવી સ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોની સલામતી સાથે પૂરતો વીજ પુરવઠો નિયમિત મળે તે વિજકંપનીના જવાબદારો સુનિશ્ચિત કરવામાં આવે તે જરૂરી છે.
સારવણીના અગ્રણી સુનિલભાઈના જણાવ્યા અનુસાર નવાનગરમાં ટ્રાન્સફોર્મર આ એ ફ્યુઝ વિનાના ખુલ્લા ફ્યુઝ બોક્ષ બાબતે વીજકંપનીના કર્મચારીનું અવારનવાર ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમ છતાં મરામત કરાઈ ન હતી. આજે ટ્રાન્સફોર્મર અધ્ધર થઈ જવા સાથે વીજળી ડુલ થતા તે અંગેની જાણ કર્યાં ને લાંબો સમય વીતવા છતાં કોઈ આવ્યું ન હતું.
દક્ષિણ ગુજરાત વીજ કંપની અનાવલ સબ ડિવિઝનના નાયબ ઇજનેરના જણાવ્યાનુસાર સારવણી ગામના ટ્રાન્સફોર્મરના ફોટા મળ્યા છે.મરામત માટે કોન્ટ્રાકટરને સૂચના આપી છે.સાંજ સુધીમાં ચાલુ થઈ જશે. ફ્યુઝ બોક્ષ બાબતે મારી સુધી રજુઆત આવી નથી પરંતુ તે પણ યોગ્ય કરી દેવામાં આવશે.