ગાંધીનગર : રાજ્યભરમાં ચકચાર મચાવનાર BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં રાજ્ય સીઆઇડી ક્રાઇમ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં અત્યાર સુધીની વિગતોમાં સીઆઇડી ક્રાઇમને 360 કરોડના રોકાણની ટ્રાન્ઝેક્શનની વિગતો હાથ લાગી છે. સીઆઇડી ક્રાઇમના સૂત્રોના જણાવ્યા પ્રમાણે BZ ગ્રુપની ચાર જુદી જુદી કંપનીઓમાં 2020 થી 2024 દરમિયાન વ્યવહારો તપાસ કરતા કંપનીઓના 16 બેંક ખાતાઓમાં રોકાણકારોએ 360 કરોડનું રોકાણ કર્યું હોવાની વિગતો બહાર આવી છે. આ ચારેય બેંક ખાતાઓમાંથી નાણાઓની અરસપરસ સર્ક્યુલેશન ટ્રાન્જેક્શન થયા હોવાની વિગતો પણ હાથ લાગી છે.
ભાજપ સાથે જોડાયેલા આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા રોકાણકારોનો વિશ્વાસ સંપાદિત કરવા માટે રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેંકો કરતા ઊંચું વળતર આપી રોકાણકારનો વિશ્વાસ સંપાદન કરી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યા હોવાના સીઆઇડી ક્રાઇમને પુરાવા હાથ લાગ્યા છે. તપાસ દરમિયાન આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની બેંકની એક જ બ્રાન્ચમાંથી રોકડ વ્યવહારનું ટ્રાન્જેક્શનની તપાસ કરતા 52 કરોડ રોકડા આપ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. આ રોકડા રૂપિયા ભુપેન્દ્રસિંહ દ્વારા આંગડિયા પેઢી અને હવાલા મારફતે આપ્યા હોવાનું તપાસ દરમિયાન ખુલવા પામ્યું છે.
આ ઉપરાંત વધુ તપાસમાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોના નાણામાંથી જુદી જુદી જગ્યાએ 17 જેટલી મિલકતો વસાવી હોવાની વિગતો પણ મળી છે. જેની બજાર કિંમત અંદાજે 100 કરોડથી વધુ થાય છે. આ તમામ મિલકતો સીઝ કરવામાં આવશે. તેમજ આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા વૈભવી અને મોઘીદાટ કારનો પણ શોખીન છે. મોંઘીદાટ કારમાં ફોર્ચ્યુનર, મર્સીડીઝ, વોલ્વો, પોર્સ, સહિતની કારનો સમાવેશ થાય છે. આ તમામ લક્ઝરીયર્સ કારની અંદાજિત કિંમત નવ કરોડથી વધારે થાય છે. જે તમામ જપ્ત કરવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા આ મામલામાં વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
