National

ભોપાલ-ઉજ્જૈન ટ્રેન બ્લાસ્ટ કેસનો ચૂૂકાદો: 7 આતંકવાદીઓને ફાંસી, 1ને આજીવન કેદ

નવી દિલ્હી: ભોપાલ ઉજ્જૈન પેસેન્જર ટ્રેન બ્લાસ્ટ (Train blast) કેસમાં લખનઉની NIA કોર્ટે 7 આતંકીઓને (Terrorists) ફાંસીની સજા સંભળાવી છે. આ સાથે જ અન્ય એક આતંકવાદીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મંગળવારે આ સંબંધમાં ચુકાદો આપતાં કોર્ટે આરોપીઓ ગૌસ મોહમ્મદ ખાન, મોહમ્મદ ફૈઝલ, આતિફ મુઝફ્ફર, મોહમ્મદ અઝહર, મોહમ્મદ દાનિશ, સૈયદ મીર હુસૈન, આસિફ ઈકબાલ રોકીને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. આ સાથે જ મોહમ્મદ આતિફ ઈરાનીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જણાવી દઈએ કે વર્ષ 2017માં ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર બ્લાસ્ટમાં કુલ 9 આતંકવાદીઓ સામેલ હતા, જેમાંથી એક આતંકીનું મોત (Death) થઈ ચૂક્યું છે. જણાવી દઈએ કે UP ATSએ 7 માર્ચ 2017ના રોજ આ કેસ નોંધ્યો હતો.

ATSના ડેપ્યુટી એસપી મનીષ ચંદ્ર સોનકરે આ મામલે 8 માર્ચ 2017ના રોજ રિપોર્ટ દાખલ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈન્ટરનેટ પર આતંકવાદી ઘટનાઓના વીડિયો અપલોડ કરીને આઈએસઆઈએસ સતત મુસ્લિમ યુવાનોને પોતાના સંગઠન સાથે જોડવાનો અને દેશવિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આનાથી પ્રભાવિત થઈને મોહમ્મદ. ફૈઝલ, દાનિશ અખ્તર, આતિફ મુઝફ્ફર, સૈફુલ્લાહ અને અઝહરે 7 માર્ચ, 2017ના રોજ મધ્યપ્રદેશના શાજાપુર ખાતે પેસેન્જર ટ્રેનમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડ્યું હતું. ભૂતકાળમાં પણ આ લોકો ISIS માટે જેહાદ અને આતંકવાદી કૃત્યો કરવાની વાત કરતા હતા.

7 માર્ચ 2017ના રોજ જબદી રેલવે સ્ટેશન પાસે ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં બ્લાસ્ટ થયો હતો
જાણકારી મુજબ ટ્રેન બ્લાસ્ટમાં 9મો આતંકી સૈફુલ્લા લખનઉના કાકોરીમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આ દરમિયાન પોલીસે આતંકી પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. ત્યારબાદ NIA દ્વારા તપાસ બાદ અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે 7 માર્ચ 2017ના રોજ જબદી રેલવે સ્ટેશન પાસે ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન નંબર 59320માં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 9 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દરમિયાન જીવ બચાવવાની દોડમાં અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Most Popular

To Top