નવી દિલ્હી : ટ્રેનના (Train) એસી ચેર કાર અને એક્ઝિક્યુટીવ ક્લાસમાં મુસાફરી કરતા પેસેન્જરો (Passangers) માટે સારા સમાચાર છે. ભારતીય રેલવે બોર્ડે (Indian Railway) આ કેટેગરીની ટિકીટના (Ticket) દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ અંગે બોર્ડ દ્વારા દરેક ઝોનમાં સૂચના પણ આપી દેવામાં આવી છે.
રેલવે બોર્ડે એસી ચેર કાર અને વંદે ભારત સહિતની ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરનારાઓને મોટી રાહત આપવાની વાત કરી છે. બોર્ડે કહ્યું છે કે વંદે ભારત (VandeBharatTrain) સહિત તમામ ટ્રેનોના એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે. રેલ્વે બોર્ડે ઝોનને એવી ટ્રેનોમાં કન્સેશનલ ભાડાની યોજના દાખલ કરવા કહ્યું છે જે છેલ્લા 30 દિવસમાં 50 ટકાથી ઓછી ઓક્યુપન્સી ધરાવે છે.
જણાવી દઈએ કે ભારતમાં હાઈકલાસ વંદે ભારત ટ્રેન શરૂ થઈ પરંતુ અનેક રૂટ પર ટ્રેનને પુરતા પેસેન્જર મળી રહ્યાં નથી, જેના લીધે થોડા દિવસ અગાઉ જ રેલવે દ્વારા વંદે ભારત ટ્રેનમાં ટિકીટના દર ઘટાડવાની વાત કરી હતી. કેટલીક ટૂંકા અંતરની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં સીટો હજુ સંપૂર્ણ રીતે ભરવાની બાકી રહે છે.
આવી સ્થિતિમાં ભાડું ઘટાડવાનું રેલવે વિચારી રહી છે. રેલવે ભાડાની સમીક્ષા કરી રહી છે. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં આવા રૂટ પર ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. હવે રેલવે બોર્ડે વંદે ભારત ઉપરાંત અન્ય ટ્રેનોમાં પણ ટિકીટના દર ઘટાડવા અંગે વાત કરી છે.
જોકે, ટિકીટના દર ક્યારે ઘટશે તે અંગે હજુ સુધી રેલવે બોર્ડ તરફથી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. પરંતુ એવું કહેવાય રહ્યું છે કે તમામ ઝોન સાથે ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને કયા રૂટ પર કઈ ટ્રેનોમાં પૂરતી ઓક્યુપેન્સી નથી તેનો રિપોર્ટ રેલવે બોર્ડે માંગ્યો છે. તે રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવાશે.
અહેવાલો અનુસાર, ઈન્દોર-ભોપાલ, ભોપાલ-જબલપુર, નાગપુર-બિલાસપુર અને કેટલાક અન્ય રૂટ પર વંદે ભારત ટ્રેનના ભાડાની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ રૂટ પર ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં મોટાભાગે સીટો ખાલી છે. આંકડા અનુસાર, ઇન્દોર-ભોપાલ વંદે ભારત, જેનો પ્રવાસ સમય લગભગ ત્રણ કલાકનો છે. જેમાં જૂનમાં માત્ર 29 ટકા સીટો જ ભરાઈ હતી. પાછા ફરતી વખતે આ ટ્રેનની માત્ર 21 ટકા સીટો જ આરક્ષિત હતી. આ ટ્રેનનું ભાડું હાલ 950 રૂપિયા છે. જ્યારે એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 1525 રૂપિયા છે.