નવી દિલ્હી: મુસાફરોને આજે મંગળવારે IRCTC (ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) પર ટ્રેન ટિકિટ બુક કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટિકિટ બુકિંગ અને પેમેન્ટ દરમિયાન મુસાફરોને આ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુઝર્સ ફરિયાદ કરે છે કે પૈસા કપાવા છતાં તેમની ટિકિટ બુક થઈ રહી નથી.
IRCTCનું કહેવું છે કે ટેકનિકલ ખામીના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસાફરોને IRCTC એપ અને વેબસાઇટ બંને પર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. IRCTCએ ટ્વીટ કરીને સિસ્ટમમાં ટેકનિકલ ખામી જણાવી છે. IRCTCએ કહ્યું કે, ટેકનિકલ કારણોસર ટિકિટિંગ સેવા ઉપલબ્ધ નથી. અમારી ટેકનિકલ ટીમ સમસ્યાનું નિરાકરણ કરી રહી છે. ટેક્નિકલ સમસ્યા ઠીક થતાં જ અમે તમને જાણ કરીશું.
IRCTCએ કહ્યું કે, ટેકનિકલ કારણોસર IRCTC સાઇટ અને એપ પર ટિકિટિંગ સેવા ઉપલબ્ધ નથી. ટેકનિકલ ટીમ સમસ્યાનો ઉકેલ લાવી રહી છે. વૈકલ્પિક રીતે ટિકિટ અન્ય B2C પ્લેયર્સ જેમ કે Amazon, Makemytrip દ્વારા બુક કરી શકાય છે.
યૂઝર્સ ટિકિટ બુક કરી શકતા ન હોવાની ફરિયાદ પણ કરી રહ્યા છે. અભિલાષ દહિયા નામના યુઝરે લખ્યું, જલ્દી આ સમસ્યાનો ઉકેલ લાવો. હું સતત ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. પરંતુ આવું થઈ રહ્યું નથી. મારા પૈસા પણ 5 વખત કપાઈ ગયા, પરંતુ ટિકિટ બુક થઈ રહી નથી. યુઝરે તેનો સ્ક્રીન શોટ પણ શેર કર્યો છે.
અન્ય એક યુઝરે IRCTC પર સવાલ ઉઠાવ્યા અને પૂછ્યું કે જો ટેકનિકલ ખામીના કારણે ટિકિટ બુક નથી થઈ રહી તો પછી આ સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી તેને રોકવામાં કેમ આવી રહી નથી. લોકોના પૈસા સતત કપાઈ રહ્યા છે, પરંતુ ટિકિટ બુક થઈ રહી નથી.