ભરૂચ: ભરૂચના (Bharuch) નબીપુર રેલવે સ્ટેશન (Railway Station) ઉપર અપલાઇન ઉપર રેલ ફેક્ચરની ઘટના સોમવારે સવારે સામે આવી છે. જો કે, ગેંગમેનના ચેકિંગમાં પાટો તૂટેલી હાલતમાં મળી આવતાં તાત્કાલિક વડોદરાથી (Vadodra) સુરત (Surat) જતી ટ્રેનોને જે તે સ્ટેશને થંભાવી દેવામાં આવી હતી. નબીપુર અપલાઈન પર રેલ ફેક્ચરને લઈ અમદાવાદ-દિલ્હી-મુંબઈનો ટ્રેન વ્યવહાર 30 મિનીટ સુધી ઠપ થઈ ગયો હતો. અડધા કલાકનો બ્લોક લઈ તૂટેલો પાટો દુરસ્ત કરી દેવાયો હતો. શિયાળામાં રેલવેના પાટા સંકોચાવાની અને ઉનાળામાં વિસ્તરણ પામવાની ઘટના સામાન્ય છે. અતિશય ઠંડીના કારણે પાટા સંકોચાવા અને ગરમીમાં પહોળા થવા સાથે હજારો ટન વજનની ટ્રેનો પૂરઝડપે પસાર થતાં રેલ કે ટ્રેક ફેક્ચરની ઘટના ઘટે છે.
એટલે કે અતિશય ભારે દબાણના કારણે પાટામાં ક્રેક આવતા તૂટી જાય છે. આવી જ એક ઘટના સોમવારે સવારે ૯ કલાકના અરસામાં ભરૂચના નબીપુર રેલવે સ્ટેશન નજીક સામે આવી હતી. વડોદરા-ભરૂચ વચ્ચે મુખ્ય અપલાઈન ઉપર નબીપુર રેલવે સ્ટેશન નજીક અપલાઈનને જોડતો રેલવે ટ્રેક ફેક્ચર થઈ ગયો હતો. સોમવારે સવારના ફરજ બજાવતાં ગેંગમેન કે પહેલા પસાર થયેલી ઉદેપુર બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનના ડ્રાઈવરને રેલ ક્રેક વિશે જાણ થઈ હોવાની માહિતી સાંપડી છે. રેલવે ટ્રેક ચેકિંગ દરમિયાન ધ્યાન પડતાં ઘટનાની જાણ નબીપુર રેલવે સ્ટેશન અને ભરૂચ રેલવેના અધિકારીને કરવામાં આવતાં રેલવે તંત્ર દોડતું થયું હતું. પાટામાં ભંગાણની જાણ પીડબ્લ્યૂઆઈને પણ કરાઈ હતી. રેલવે ગેંગમેનની સમય સૂચકતાથી મોટી રેલવે દુર્ઘટના ટળી ગઈ હતી.
ઉચ્ચ રેલવે અધિકારીઓને રેલ ફેક્ચરનો મેસેજ અપાતાં બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ મહત્ત્વની એક્સપ્રેસ ટ્રેનોને વડોદરા તરફથી પાલેજ તરફ આગળ જતાં વચ્ચેનાં સ્ટેશનોએ રોકી દેવામાં આવી હતી. જેમાં પાલેજ, નબીપુર અને અન્ય સ્ટેશનો ઉપર પશ્ચિમ એક્સપ્રેસ, ગુજરાત એકપ્રેસ અને પુરી વલસાડ ૩ ટ્રેનોને અટકાવી દેવાઈ હતી. રેલવે ટ્રેકની ઘટનાના પગલે વડોદરા તરફથી મુંબઈ તરફ જતી ૩ સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનો તેના નિયત સમય કરતાં અડધોથી પોણો કલાક મોડી ચાલતી હતી. રેલવેએ અડધો કલાકનો બ્લોક લઈ ટ્રેક કેક્ચરને નવો પાટો નાંખી દુરસ્ત કરી દીધું હતું. આશરે સવારે ૧૦ કલાકથી અપ લાઈનનો ટ્રેન વ્યવહાર ફરી શરૂ કરી દેવાયો છે.