સુરત: ઉત્તર રેલવેના માનકનગર સ્ટેશન(Station) ઉપર નોન ઇન્ટરલોકિંગ કાર્યના કારણે કેટલીક ટ્રેનોનાં શિડ્યુલ બદલવામાં આવ્યાં છે, જેમાં મુઝ્ઝફરપુર-સુરત એક્સપ્રેસ સહિતની 4 ટ્રેન (Train) રદ કરાઇ છે. ઉપરાંત 6 ટ્રેનને ડાયવર્ટ કરેલા રૂટ ઉપર દોડાવાશે. જ્યારે 1 ટ્રેનને રિ-શિડ્યુલ કરીને બે કલાક મોડી દોડાવવામાં આવશે. ઉત્તર રેલવેના કાનપુર સેન્ટ્રલ-લખનઉના માનકનગર સ્ટેશન ઉપર મેઇન લાઇન સાથે જોડાતી લૂપ લાઇનની કામગીરીને કારણે મુંબઇ-દિલ્હી રૂટની ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે.
નોન ઇન્ટરલોકિંગ વર્ક દરમિયાન 28 ઓગસ્ટે બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર અંત્યોદય એક્સપ્રેસ 30 ઓગસ્ટે ગોરખપુર-બાંદ્રા ટર્મિનસ અંત્યોદય એક્સપ્રેસ, 29 ઓગસ્ટની અમદાવાદ-લખનઉ એક્સપ્રેસ, 30 ઓગસ્ટે લખનઉ અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનને રદ કરવામાં આવી છે. ઉપરાંત 27 ઓગસ્ટે સાબરમતી-મુઝફ્ફરપુર ટ્રેન વાયા જયપુર-દિલ્હી-મુરાદાબાદ-આલમનગર-લખનઉના રૂટ ઉપર દોડાવાશે. તેમજ મુજફ્ફરપુર-સાબરમતી એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ-લખનઉ સુપરફાસ્ટ, અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ, ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ, મુઝફ્ફરપુર-સુરત એક્સપ્રેસના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તેમજ 31 ઓગસ્ટની ગોરખપુર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ રિ-શિડ્યુલ થઈને ગોરખપુરથી 2 કલાક મોડી ઉપડશે.