સુરત: (Surat) દક્ષિણ ગુજરાતના હજારો પાસ હોલ્ડરોને ઇન્ટરસિટી, મેમુ અને શટલ ટ્રેનોમાં ‘ટિકીટ’ને બદલે ‘પાસ’ સિસ્ટમથી મુસાફરી કરવા દેવામાં આવે તેવી માંગણી સાથે ચેમ્બર દ્વારા રેલ્વેમંત્રીને (Railway Minister) રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બરની રેલવે કમિટીના પ્રતિનિધિઓ આજે ભારત સરકારના રેલ્વે મંત્રી પિયુષ ગોયલને મળીને રજૂઆત કરી હતી. રેલ્વે કમિટીના ચેરમેન અને ઝેડઆરયુસીસી સભ્ય રાકેશ શાહ સહિત કમિટીના વિવિધ સભ્યો સાથે દક્ષિણ ગુજરાત પ્રાંતમાંથી ટ્રેનોમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને (Passengers) પડી રહેલી વિવિધ સમસ્યાઓ વિશે રેલવે મંત્રી સાથે ચર્ચા કરી હતી. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાંથી ગુજરાત તથા મહારાષ્ટ્રના વિવિધ સ્થળે નોકરીએ જતા નોકરીયાત વર્ગ આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોવાની બાબત સામે આવી હતી.
કોવિડ–19ને કારણે લોકડાઉનમાં કેટલાક લોકોએ નોકરી ગુમાવી હતી. જ્યારે મોટા ભાગના લોકોના પગારમાં કાપ થયો હતો ત્યારે હવે માંડ માંડ નોકરીએ જોડાયા બાદ કારીગર વર્ગને ટિકીટ પેટે રોજના રૂપિયા ર૦૦થી ૩૦૦ ખર્ચવા પડી રહ્યા છે. લોકડાઉન પહેલા દક્ષિણ ગુજરાતનો કારીગર વર્ગ પાસ સિસ્ટમથી મુસાફરી કરી રહ્યો હતો, પરંતુ લોકડાઉન દરમ્યાન કરવામાં આવેલા તેમજ અત્યારે પણ હયાત સિસ્ટમ મુજબ તેઓને ટિકીટ લઇને મુસાફરી કરવી પડી રહી છે. આથી કારીગર વર્ગને આર્થિક મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે રેલ્વે તંત્ર દ્વારા દક્ષિણ ગુજરાતના પાસ હોલ્ડરો ઇન્ટરસિટી, મેમુ અને શટલ ટ્રેનોમાં ‘ટિકીટ’ને બદલે ‘પાસ’થી મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ગોઠવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
નવસારી જિલ્લાના નોકરીયાત મુસાફરોએ પણ ટ્રેન શરૂ કરવા માંગ
નવસારી : નવસારી જિલ્લાના નોકરીયાત મુસાફરો માટે લોકલ તેમજ એક્સપ્રેસ ટ્રેન ચાલુ કરવાની માંગ સાથે અપડાઉન ગૃપ અને ધી નવસારી ડાયમંડ મરચંટસ એસો.એ નવસારી રેલવે સ્ટેશન અધિક્ષકને આવેદનપત્ર પાઠવ્યુ છે.
નવસારી જિલ્લામાંથી હજારો લોકો સુરત, વલસાડ, ભરૂચ અંકલેશ્વર અને વડોદરા સુધી નોકરી કરવા જાય છે. પરંતુ કોરોનાની મહામારીને પગલે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતુ. ત્યારથી ટ્રેનના પૈડા થંભી ગયા હતા. જોકે હાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દેશમાં ફરી લોકો માટેની સુવિધાઓ આપવાની શરૂઆત કરી રહ્યા છે. ગુજરાતમાં ટ્રેન અને બસની સુવિધાઓ શરૂ કરી દીધી છે. લાંબા રૂટની અને ગુજરાત-મહારાષ્ટ્રને જોડતી ટ્રેનો શરૂ કરવામાં આવી છે. પરંતુ તે ટ્રેનોમાં રિઝર્વેશન ફરજીયાત અને 1 કલાક અગાઉ રેલવે સ્ટેશને પહોંચવા માટે સરકારે ગાઇડલાઇન જાહેર કરી હતી.
જ્યારે નોકરીયાત વર્ગ રિઝર્વેશન તો કરાવી શકે છે પરંતુ 1 કલાક પુર્વે રેલવે સ્ટેશને પહોંચી શકે તેમ ન હોવાથી દક્ષિણ ગુજરાતના નોકરીયાત વર્ગો ખાનગી વાહનો અને બસનો ઉપયોગ કરી રહ્યા છે. મોટે ભાગના લોકો ખાનગી વાહનમાં જ મુસાફરી કરી રહ્યા હોય છે. જેથી જીવનું જોખમ પણ વધુ હોય છે. સાથે જ વાહનોમાં વપરાતા બળતણનો ભાવ પણ આસમાને હોવાથી નોકરીયાત વર્ગને પોષાય તેમ નથી. ત્યારે દક્ષિણ ગુજરાતના હજારો નોકરીયાત મુસાફરો માટે લોકલ તેમજ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની માંગ કરી અપ-ડાઉન ગૃપ અને ધી નવસારી ડાયમંડ મરચંટસ એસો. એ નવસારી રેલ્વે સ્ટેશન અધિક્ષકને આવેદનપત્ર પાઠવ્યુ છે.