સુરત: કોવિડ-19નું સંક્રમણ ઓછું થવા છતાં રેલવે તંત્ર દ્વારા ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી નથી. જેના કારણે ડેઇલી મુસાફરોને ભારે તકલીફ પહોંચી રહી છે. ત્યારે સુરતથી વાપી જનાર તથા આવનારા લોકો હવે ટ્રેન સેવાના બદલે બસ સેવા પર આધાર રાખી રહ્યા છે. જેના પરિણામે સુરત-વાપી વચ્ચે દોડતી બસોમાં ડેઇલી મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ડેઇલી મુસાફરોનું કહેવું છે કે, રેલવે તંત્ર ઝડપથી ટ્રેન સેવા શરૂ કરે એ હવે જરૂરી બન્યું છે. રેલવે તંત્રએ પણ હવે રાજ્ય સરકાર પર આધાર રાખવાને બદલે મુસાફરો તરફ ધ્યાન આપવું જોઇએ.
કોવિડ-19 મહામારીને લઇ રેલવે બોર્ડ દ્વારા દેશભરની ટ્રેન સેવા પર પ્રતિબંધ રાખી દીધો હતો. જેના કારણે ખાસ કરીને સુરત-વાપી વચ્ચે કે સુરત-વડોદરા વચ્ચે અપ-ડાઉન કરતા મુસાફરોને ભારે તકલીફનો ભોગ બનવું પડ્યું છે. તેઓએ રેલવેના બદલે વાહન વ્યવહારનો સહયોગ લેવો પડ્યો હતો. બારડોલી, વ્યારા, વાપી, વલસાડ, નવસારીનાં ગામડાંમાંથી લોકો રોજીરોટી માટે લોકો સુરત આવે છે. પરંતુ હવે કોવિડ-19ના કેસ ખૂબ જ ઓછા આવી રહ્યા છે. જેના કારણે સરકાર દ્વારા પણ નાઇટ કરફ્યૂનો ટાઇમ લંબાવી દેવામાં આવ્યો છે. અને આગામી દિવસોમાં સરકાર નાઇટ કરફ્યૂ હટાવી દે તેવી પણ શક્યતા છે.
કોવિડ-19ની અસર ઓછી થવા છતાં રેલવે તંત્ર દ્વારા હજુ માત્ર ડેઇલી મુસાફરો ટ્રેનો શરૂ કરવામાં આવી નથી. અત્યારે વેસ્ટર્ન રેલવે દ્વારા માત્ર એક ટ્રેન સુરત-વાપી વચ્ચે મેમુ ટ્રેન સેવા માત્ર ને માત્ર રિઝર્વેશન મોડ પર શરૂ કરી છે.
જેના કારણે રોજિંદા મુસાફરોએ રિઝર્વેશન માટે પડાપડી છે. પરંતુ જો લોકોને ટિકિટ નથી મળી રહી, તેવા રોજિંદા મુસાફરો એસીનો સહારો લઇ શક્યા છે. જેના કારણે બસ સ્ટેશન પર ખૂબ જ ભીડ જોવા મળી રહી છે અને બસ મુસાફરો ભીડભર્યા માહોલમાં જઇ રહ્યા છે. લોકો બસ સેવામાં પણ જીવના જોખમે બસનાં ટાયર પર ઊભી રહીને જગ્યા માટે બારી ઉપર ચઢી રહ્યા છે. બસમાં એટલી ભીડ થઇ રહી છે, જેના કારણે મહિલા મુસાફરોને ભારે તકલીફ પહોંચી રહી છે.
પાસ હોલ્ડર દ્વારા ડેઇલી મુસાફર ટ્રેન શરૂ કરવા માંગ
રેલવેમાં અપ-ડાઉન કરનાર પાસ હોલ્ડરો પણ સુરત રેલવે સ્ટેશને સ્ટેશન ડાયરેક્ટરની ઓફિસે જઈ ઝડપથી મેમુ અને લોકલ ટ્રેનો ફરીથી શરૂ કરવા માટે માંગ કરી રહ્યા છે. બીજી તરફ સુરત બસ સ્ટેશન ઉપર પણ મુસાફરોને ભારે હાલાકી થતાં હવે વધારાની બસો દોડાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
એક મુસાફરે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે હવે મુસાફરોની આ સમસ્યાને લઈને ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે. કારણ કે, પોતાનું ગુજરાન ચલાવવા માટે જે નોકરી ધંધાર્થે લોકો સુરત આવે છે અને સાંજે તેમના ઘરે પરત ફરે છે તેઓ માટે હવે તાત્કાલિક અસરથી મેમુ લોકલ ટ્રેનો શરૂ થવી જોઈએ. સાથે-સાથે વધારાની બસો દોડાવવી જોઇએ.