બીલીમોરાથી વઘઇ જતી ઐતિહાસિક નેરોગેજ ટ્રેનની ખોટ રેલવે સહન નહીં કરતા તેને બંધ કરવાનો નિર્ણય ગત ડિસેમ્બર 2020ના બીજા અઠવાડિયામાં લેવામાં આવ્યો હતો. જેનો નવસારી અને ડાંગ જિલ્લામાં પ્રચંડ વિરોધ ઉઠતા રેલવે બોર્ડે બંધ કરાયેલા 11 નેરોગેજ ટ્રેનના રુટમાંથી હેરિટેજનો દરજજો પામેલી ત્રણ નેરોગેજ ટ્રેનને ફરી શરૂ કરવા રેલવે બોર્ડે નિર્ણય કર્યો છે.
જેમાં બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેનનો સમાવેશ થતાં હવે નજીકના દિવસોમાં બંધ થયેલી આદિવાસી વિસ્તારની જીવાદોરી એવી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન ફરી શરૂ થશે.
બીલીમોરાથી વઘઇ જતી નેરોગેજ ટ્રેન સતત ખોટ કરતી હોવાથી લાંબા સમયથી બંધ કરી દેવામાં આવી હતી. જેનો સત્તાવાર પત્ર રેલવે બોર્ડે ગત ડિસેમ્બર 2020ના બીજા અઠવાડિયાયે બીલીમોરા રેલવેને મોકલી આપ્યો હતો.
અને 110 વર્ષથી અવિરત દોડતી ટ્રેન બંધ કરી દીધી હતી. જોકે તેનો આદિવાસી પટ્ટી ડાંગ જિલ્લાના વેપારી મંડળ અને સ્થાનિક લોકોમાં પ્રચંડ વિરોધ ઉઠતા રેલવે બોર્ડે તેમાં ફેર વિચારણા કરવો પડ્યો હતો. આદિવાસી પટ્ટી રાનકુવા, ધોળીકુવા, અનાવલ, ઉનાઈ, કેવડી રોડ, કાળાઆંબા, ડુંગરડા, અને વઘઈમાં પ્રતિક ધરણા અને ઉપવાસ જેવા કાર્યક્રમો આપી આવેદનપત્રો પણ રેલવેના સત્તાવાળાઓને આપવામાં આવ્યા હતા.
લોકોનો ક્રોધ, આક્રોશ અને વિરોધ સામે રેલવે બોર્ડ નરમ પડ્યું હોય એવું લાગે છે, અને બીલીમોરાથી વઘઇ જતી નેરોગેજ ટ્રેન સહિત બીજા 2 રૂટ મિયાગામ-ચારોનડા માલસર, ચારોનડા મોટી કારોલ મળી ત્રણ હેરિટેજ નેરોગેજ રૂટોને રેલવે દ્વારા પૂર્વ શરૂ કરવાનો પત્ર મુંબઈના ચર્ચગેટ સ્થિત રેલવેના જનરલ મેનેજરને મોકલાવતા આ વિસ્તારની આદિવાસી પ્રજાની લડતને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે, તેઓની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. નજીકના ભવિષ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ પડેલી બીલીમોરા વગઈ નેરોગેજ ટ્રેન ફરી શરૂ થવાની પૂરેપૂરી સંભાવના છે.
- લોકોની રજૂઆત ફળી
વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ, ડાંગનાં ધારાસભ્ય વિજય પટેલે કેન્દ્રીય રેલવે અધિકારીઓને પત્ર દ્વારા રજુઆત કરી હતી. સાથે જ આ ટ્રેન બંધ થઈ જતાં વઘઇ વેપારી મંડળમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી. લોકોની માંગણીઓને ધ્યાને લઇ રેલ મંત્રાલયે ત્રણ ઐતિહાસિક ટ્રેન ફરીથી ચાલુ કરવાનો નિર્ણય કરતા વઘઇ વેપારી મંડળમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ છે. - અંગ્રેજોનાં સમયથી આદિવાસી લોકોમાં છુક છુક ગાડી અને ઐતિહાસિક ધરોહર સમી તરીકે ઓળખાતી વઘઇ-બીલીમોરા નેરોગજ ટ્રેનને ફરીથી ચાલુ કરવા માટે લીલી ઝંડી મળી જતા ડાંગનું આ નજરાણુ ઇતિહાસ માટે સંભારણું બની રહેશે.