ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ સ્પામ કોલ્સ રોકવા માટે નિયમો કડક બનાવ્યા છે અને દંડની પણ વાત કરી છે. મોબાઇલ યુઝર્સ સરળતાથી સ્પામ કોલ્સનો રિપોર્ટ કરી શકશે અને અનસોલિસિટેડ કોમર્શિયલ કોલ્સ (UCC) થી પણ છુટકારો મેળવી શકશે. આ માટે TRAI એ X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને માહિતી આપી.
ગ્રાહક સુરક્ષા સુધારવા માટે TRAI એ ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ ગ્રાહક પસંદગી નિયમન (TCCCPR) 2018 માં સુધારો કર્યો છે. યુઝર્સ 10 નંબર પરથી આવતા ટેલિમાર્કેટિંગ કોલ્સથી છુટકારો મેળવી શકશે અને રિપોર્ટિંગની પ્રક્રિયાને પણ સરળ બનાવવાની સૂચના આપવામાં આવી છે. અહીં ટેલિકોમ કંપનીઓ પર દંડ લાદવાની વાત છે. જોકે, ટેલિકોમ કંપનીઓએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે.
ટ્રાઈ દ્વારા અગાઉથી જ કમર્શિયલ કમ્યુનિકેશન્સ માટે 10 નંબર ધરાવતા મોબાઈલ નંબર બંધ કરવામાં આવ્યા છે. તે માટે નવા નંબરોની સિરીઝ શરૂ કરાશે, જે 140 અને 1600 નંબરથી શરૂ થશે. 140 નંબર સિરીઝનો ઉપયોગ પ્રમોશનલ્સ કોલ્સ અને 1600 નંબરની સિરીઝનો ઉપયોગ ટ્રાન્જેક્શન રિલેટેડ કોલ્સ માટે કરી શકાશે.
અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર્સ પર સકંજો કસવામાં આવશે
ટ્રાઈના નવા નિર્ણય પછી ટેલિકોમ સંસાધનોનો મનસ્વી રીતે ઉપયોગ કરી રહેલા બિનનોંધાયેલ ટેલિમાર્કેટર્સ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ માટે દંડ પણ ફટકારવામાં આવશે. ટેલિમાર્કેટર્સ દ્વારા પ્રથમ ઉલ્લંઘન 15 દિવસ માટે સસ્પેન્શનમાં પરિણમશે, જ્યારે વારંવાર ઉલ્લંઘન કરવાથી એક વર્ષ માટે ટેલિકોમ સંસાધનોનું જોડાણ કાપી નાખવામાં આવશે.
ટેલિકોમ કંપનીઓને પણ દંડ ફટકારાશે
અહીં ટેલિકોમ ઓપરેટરોને દંડ પણ ભોગવવો પડી શકે છે. ટેલિકોમ કંપનીઓને નિયમોનું પાલન ન કરવા બદલ નાણાકીય દંડનો સામનો કરવો પડશે. આ દંડની શરૂઆતની રકમ 2 લાખ રૂપિયા હશે, જે 5 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. જો ભૂલ ફરીથી થશે તો 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
COAI એ કહ્યું, મેસેજિંગ એપ્સને શા માટે બાકાત રાખવામાં આવી?
ટેલિકોમ કંપનીઓના સંગઠન COAI એ ટેલિકોમ કંપનીઓ પર દંડ વધારા અંગે વાંધો ઉઠાવ્યો છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે શા માટે વોટ્સએપ અને ટેલિગ્રામ વગેરે જેવી સોશિયલ મેસેજિંગ એપ્સને તેમાંથી બાકાત રાખવામાં આવી છે
