સુરતના લિંબાયત વિસ્તારમાંથી હચમચાવી દેતી ઘટના સામે આવી છે. રુદ્ર પેલેસ નામના નિવાસી મકાનમાં બનેલી આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમગ્ન બનાવી દીધો છે.
પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ એક માતા અને પુત્રી નવ નિર્મિત મકાન જોવા માટે ગયા હતા,તેઓ મકાન ના પહેલા માળે ગયા હતા.મકાનનું નિરીક્ષણ કરતી વખતે પુત્રી ઉપરની તરફ જોઈ રહી હતી ત્યારે અચાનક તેનું સંતુલન બગડ્યું અને તે પહેલા માળેથી નીચે પટકાઈ ગઈ. આંખ સામે દીકરીને નીચે પડતી જોતા જ માતાએ તરત જ તેને બચાવવા હાથ લંબાવ્યો, પરંતુ દુર્ભાગ્યવશ તેઓ પોતે પણ સંતુલન ગુમાવી નીચે પટકાઈ ગયા.ઘટના એટલી અચાનક બની કે આસપાસ હાજર લોકો સમજી પણ ન શક્યા. બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં પુત્રીની સારવાર ચાલી રહી છે, પરંતુ માતાનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે. આ સમાચાર મળતા જ પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે પરિવાર માં ખુશીનો માહોલ દુર્ઘટનામાં ફેરવાઈ ગયો.ઘટના બાદ પોલીસ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત હોવાનું માનવામાં આવી રહ્યું છે.આ કરુણ બનાવે ફરી એકવાર ઈમારતોમાં સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત પર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિકોમાં આ ઘટના અંગે ભારે દુઃખ અને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.