જો કોઈ બાળક કોઈ પુખ્ત વયની વ્યક્તિ સાથે ભીખ માંગતો જોવા મળે છે તો તેમના કૌટુંબિક સંબંધો ચકાસવા માટે પંજાબ સરકાર ડીએનએ પરિક્ષણ કરશે. જ્યાં સુધી પરિણામો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી બાળક બાળકલ્યાણ સમિતીઓની દેખરેખ હેઠળ બાળ સંભાળ સંસ્થામાં રહેશે. જો ડીએનએ ટેસ્ટમાં ખાતરી થશે કે પુખ્ત વ્યક્તિ તેમની સાથે રહેલા બાળક સાથે સંબંધિત નથી તો તે વ્યક્તિ સામે પંજાબ સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. બાળકની તસ્કરીની જેમ સ્ત્રીઓની તસ્કરી પણ દેશમાં બેરોકટોક થઈ રહી છે. મહારાષ્ટ્રમાં વર્ષ 2019 થી 2021 દરમ્યાન આશરે એક લાખ જેટલી મહિલાઓ ગુમ થઈ ગઈ છે.
આ બાબતે બોમ્બે હાઈકોર્ટમાં એક પીઆઈએલ થઈ હતી. જેમાં માત્ર ત્રણ વર્ષમાં એક લાખ સ્ત્રીઓની શોધવા વિશેષ તપાસ અભિયાન ચલાવવા સરકારને આદેશ આપવાની આ પી.આઈ.એલ.માં માંગ કરેલ છે. મુંબઈમાં દર મહિને સેંકડો બાળકો ગુમ થાય છે, તેમાંના કેટલાક ગરીબાઈને કારણે ઘર છોડી દે છે, કેટલાકને સંગઠીત ટોળકીઓ ઉપાડી જાય છે અને તેમના પર જુલમ વરસાવીને ભીમ માંગતા કરી દે છે, જ્યારે કેટલાક નશીલા દ્રવ્યોની રવાડે ચડી જાય છે અથવા દેહ વ્યવસાયમાં ધકેલાય છે. કેન્દ્ર સરકારે તેમજ સંબંધનું રાજ્ય સરકારોએ આ ગુમ થઈ રહેલ સ્ત્રીઓ, છોકરીઓ અને બાળકો બાબતે ત્વરીત તપાસ કરીને સંબંધીત જવાબદારો સામે દાખલારૂપ કડક પગલાઓ લેવાની જરૂર હોય એમ લાગે છે.
સોલા, અમદાવાદ- પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.