Editorial

પ્રાચીન કલાકૃતિઓ, ઐતિહાસિક વસ્તુઓની તસ્કરી: એક વૈશ્વિક સમસ્યા

ફ્રાન્સની રાજધાનીના શહેર પેરિસમાં આવેલ વિશ્વ વિખ્યાત લુવ્રે મ્યુઝિયમમ સમ્રાટ નેપોલિયનના સમયના મૂલ્યવાન ઘરેણાઓની ચોરી થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘરેણાઓનું મૂલ્ય લાખો ડોલર જેટલું  થાય છે. આ સનસનાટીભરી ચોરી પછી આ મ્યુઝિયમને મુલાકાતીઓ માટે હંગામી ધોરણે બંધ કરી દેવાયું હતું. આ ઘટના સ્થાનિક સમય પ્રમાણે ગયા રવિવારે સવારે સાડા નવ વાગ્યાના સુમારે બની હતી જ્યારે મ્યુઝિયમ મુલાકાતીઓ  માટે ખુલવાની તૈયારીમાં હતું. ચોર ટોળકી પોતાની સાથે હાઇડ્રોલિક સીડી વાળી એક ક્રેઇન લાવી હતી.

મ્યુઝિયમની એપોલો ગેલેરી વાળા ભાગ તરફ તેઓ સીડી લઇ ગયા હતા જયાં હાલ સમારકામ ચાલી રહ્યું છે.  તેઓ ક્રેઇન  લઇને  તે તરફ ગયા છતાં સંગ્રહસ્થાનના તે ભાગમાં સમારકામ ચાલતું હોવાને કારણે દેખીતી રીતે કોઇને તેમના પર શંકા ગઇ ન હતી. તેઓ હાઇડ્રોલિક સીડી પરથી ઝડપભેર ઉપર ચડીને પોતાની પાસેના ડિસ્ક કટર વડે  બારીના સળિયા કાપીને અંદર પ્રવેશ્યા હતા અને એપોલો ગેલેરીમાં મૂકેલ નેપોલિયન એન્ડ ધ એમ્પ્રેસ નામના સંગ્રહમાંથી નવ ઐતિહાસિક ઘરેણાઓ ચોરીને થોડી જ મિનીટોમાં ફરાર થઇ ગયા હતા. ચોરાયેલી વસ્તુઓમાંથી એક  વસ્તુ બાદમાં મ્યુઝિયમના દરવાજા પાસેથી મળી આવી હતી જે મહારાણીનો તાજ હોવાનું માનવામાં આવે છે જે તૂટી ગયો છે.

ચોરી કરીને ભાગતા ચોરોના હાથમાંથી તે પડી ગયો હોવાનું માનવામાં આવે છે. આ મ્યુઝિયમમાં ભારે  સુરક્ષા વ્યવસ્થા હોય છે છતાં ખૂબ ચાલાકીપૂર્વક કરવામાં આવેલી આ ચોરી વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. લુવ્રે મ્યુઝિયમમાં અનેક મૂલ્યવાન કલાકૃતિઓ છે, એક જ દિવસમાં સરેરાશ ૩૩૦૦૦ કરતા વધુ મુલાકાતીઓ આ મ્યુઝિયમમાં આવે છે. વિશ્વના અન્ય કોઇ મ્યુઝિયમમાં આટલા બધા મુલાકાતીઓ આવતા નથી. આ સંગ્રહસ્થાનમાં  મહાન ચિત્રકાર લિયોનાર્ડો વિન્સીની પ્રખ્યાત કલાકૃતિ મોનાલિસા સહિત અનેક કલાકૃતિઓ અને વસ્તુઓનો સંગ્રહ છે.

તેમાં અનેક ચિત્રો, શિલ્પો અને પુરાતન વસ્તુઓ છે જેમાં પ્રાચીન મેસેપોટિયા અને ઇજિપ્તની સંસ્કૃતિના  સમયની વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.  લૂવ્રે મ્યુઝિયમમાં ચોરી અને લૂંટના પ્રયાસનો લાંબો ઇતિહાસ છે. સૌથી પ્રખ્યાત ઘટના 1911 માં બની જ્યારે મોના લિસા તેની ફ્રેમમાંથી ગાયબ થઈ ગઈ હતી, જે વિન્સેન્ઝો પેરુગિયા દ્વારા ચોરી લેવામાં આવી હતી, જે મ્યુઝિ્યમનો  જ એક ભૂતપૂર્વ કર્મચારી હતો જે મ્યુઝિયમની અંદર છુપાઈ ગયો હતો અને તેના કોટ હેઠળ પેઇન્ટિંગ સાથે બહાર નીકળી ગયો હતો. તે ચિત્ર બે વર્ષ પછી ફ્લોરેન્સમાં મળી આવ્યું હતું – એક એપિસોડ જેણે લિયોનાર્ડો દા  વિન્સીના પોટ્રેટને વિશ્વની સૌથી જાણીતી કલાકૃતિ બનાવવામાં મદદ કરી હતી. 1983 માં, લૂવ્રેમાંથી નવજાગૃતિ યુગના બે બખ્તરના ટુકડા ચોરાઈ ગયા હતા અને લગભગ ચાર દાયકા પછી જ તે મળી આવ્યા હતા. પ્રાચીન કલાકૃતિઓ, ઐતિહાસિક અને એન્ટિક વસ્તુઓની ખૂબ ઉંચી કિંમત આવે છે તેથી ભેજાબાજ ચોરો આવી વસ્તુઓ પર ધાપ મારવા તત્પર હોય છે અને કાળજીપૂર્વક યોજનાઓ ઘડીને પછી ચોરી કરતા હોય છે.

 કલાકૃતિઓની ચોરી અને લૂંટ એ એક વૈશ્વિક મુદ્દો છે જેમાં ઉચ્ચ મૂલ્યની વસ્તુઓની મોટા પાયે, સંગઠિત લૂંટ અને પુરાતત્વીય સ્થળોની ગેરકાયદેસર લૂંટનો સમાવેશ થાય છે. હાલના મુખ્ય ઉદાહરણોમાં 2025 માં લુવ્રે મ્યુઝિયમમાં શાહી ઝવેરાતની ચોરી અને 1990 માં ઇસાબેલા સ્ટુઅર્ટ ગાર્ડનર મ્યુઝિયમની ચોરીનો સમાવેશ થાય છે, જે ઇતિહાસમાં સૌથી મોટી કલા ચોરીઓમાંની એક છે. પુરાતત્વીય લૂંટ વારસાથી સમૃદ્ધ વિસ્તારોમાં વ્યાપક છે, અને તે ઘણીવાર રાજકીય અસ્થિરતા, સંઘર્ષ અથવા આવકના સ્ત્રોત તરીકે જોડાયેલી હોય છે. મૂલ્યવાન કલાકૃતિઓ કે કિંમતી વસ્તુઓની મ્યુઝિયમોમાંથી કે અન્યત્રથી ચોરી કે લૂંટના કેટલાક જાણીતા બનાવો આ મુજબ છે. (2025): માસ્ક પહેરેલા ચોરોએ ટ્રક-માઉન્ટેડ લિફ્ટનો ઉપયોગ કરીને એપોલો ગેલેરીમાં ઘૂસી ગયા અને દિવસે દિવસે એક હિંમતભેર લૂંટમાં ઐતિહાસિક શાહી ઝવેરાત ચોરી કરી.

ઇસાબેલા સ્ટુઅર્ટ ગાર્ડનર મ્યુઝિયમ ચોરી (1990): સૌથી મોટી અને સૌથી કુખ્યાત કલા ચોરીઓમાંની એક, 13 કૃતિઓ જેની કિંમત 100 મિલિયન ડોલરથી વધુ છે તે ચોરાઈ ગઈ હતી, અને આ કેસ હજુ પણ ઉકેલાયેલ નથી. એન્ટવર્પ ડાયમંડ હેઇસ્ટ (2003) તરીકે ઓળખાતા બનાવમાં ચોરોએ સુરક્ષિત તિજોરીમાંથી હીરા અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરી.  બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, નાઝીઓએ અસંખ્ય કલાકૃતિઓ લૂંટી લીધી, જેમાં રાફેલનું પોટ્રેટ ઓફ અ યંગ મેનનો સમાવેશ થાય છે, જે યુદ્ધના અંત પછી ગુમ થઈ ગયું છે. ઘેન્ટ અલ્ટારપીસ ચોરી (૧૯૩૪)મા પ્રાચીન વેદીના બે પેનલ ચોરાઈ ગયા હતા, અને માત્ર એક જ મળી આવ્યું છે.

આપણા ભારતમાં તો પ્રાચીન કલાકૃતિઓનો સમૃદ્ધ વારસો છે. અહીંથી પણ ખાસ કરીને અંગ્રેજોના સમયમાં અનેક પ્રાચીન કલાકૃતિઓ અને ઐતિહાસિક મૂલ્ય ધરાવતી વસ્તુઓ વિદેશોમાં પગ કરી ગઇ હતી. વર્તમાન સરકારે સરાહનીય પ્રયાસો દ્વારા વિદેશોમાંથી આવી અનેક વસ્તુઓ પાછી મેળવી છે અને હજી કેટલીક મેળવવી પડશે. પ્રાચીન કલાકૃતિઓની ચોરી, લૂંટ કે ગેરકાયદે હેરાફેરી અટકાવવા કડક કાયદા ઉપરાંત વિશ્વભરના દેશો વચ્ચે સહકાર અને સંકલન જરૂરી છે.

Most Popular

To Top