આપણું સુરત શહેર, રાજ્યમાં અમદાવાદ પછી સૌથી મોટું શહેર હોય તે પ્રમાણે વિસ્તાર પણ મોટો હોય. આ મોટા વિસ્તારના ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે ટ્રાફિક સિગ્નલો મૂકવા પડે અને તેને અનુલક્ષીને શહેરમાં ઠેરઠેર ટ્રાફિક સિગ્નલો મુકવામાં આવ્યા છે. હવે આ ટ્રાફિક સિગ્નલો ચોવીસે કલાક ચાલુ રહે છે. ખરેખર જ્યાં રાત્રે પણ ટ્રાફિકનું ભારણ રહેતું હોય તેવા જૂજ વિસ્તારોમાં જ આ ટ્રાફિક સિગ્નલો ચોવીસ કલાક ચાલું રહેવા જોઈએ તે સિવાય બંધ થઈ જવા જોઈએ જેથી વાહન ચલાવનારાઓના સમયનો ખોટો વેડફાટ ન થાય.
ક્યાં વિસ્તારોમાં રાત્રે દસ વાગ્યા પછી પણ ટ્રાફિકનું ભારણ રહે છે તેની માહિતી ટ્રાફિક કંટ્રોલ કરનારાઓ પાસે હોય જ. બીજું આવા પગલા ભરવાથી વાહન ચલાવનારાઓના સમય ઉપરાંત વીજળીની પણ સારી જેવી બચત થાય. ટૂંકમાં શહેરમાં જ્યાં પણ ટ્રાફિક ભારણ ઓછું છે તેવા તમામ વિસ્તારોમાં રાત્રે દસ વાગ્યા થી સવારે ૬ વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રહેવા જોઈએ અને તેનું સુપેરે સંચાલન થવું ખૂબ જ આવશ્યક છે તેવું લાગ્યા વગર રહેતું નથી. આશા રાખીએ કે લાગતા વળગતા ટ્રાફિક કંટ્રોલરો સુધી આ મહત્વની વાત પંહોચે અને તાત્કાલિક ધોરણથી તેનો અમલ શરૂ થાય.
નાનપુરા, સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.