ખેરગામ : ખેરગામ-ભૈરવી-ધરમપુર રાજ્ય ધોરીમાર્ગ ક્રમાંક ૧૮૧ આંતર રાજ્ય વાહન વ્યવહાર માટે ભરચક રહે છે. ગૂગલ સર્ચ (Google Search) કરીને હંકારાતા વાહનો (Vehicle) માટે ખેરગામ બજારનો જ રસ્તો (Road) બતાવાતો હોય કોઈક વાર મોટા વાહનો પણ ઘૂસી જતા ટ્રાફિક (Traffic) સમસ્યા સર્જાય છે.
ખેરગામ વિસ્તારમાં હાલમાં કેરીની મોસમ ભરપૂર ચાલે છે, લગ્નસરા જામેલી છે. જેનો મહત્તમ ટ્રાફિક ખેરગામ બજારના રસ્તે જાય છે. બાયપાસ તરફના જે વાહનો જેને બજારમાં કંઈ લાગતું વળગતું નથી, માત્ર પસાર થવું છે તેવા વાહનોને ફરજિયાત બાયપાસ માર્ગે મોકલવામાં આવે તો ટ્રાફિકનું ભારણ ઓછું થઈ શકે છે. બજારના ત્રિભેટે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. બાયપાસથી સરળતાથી જઈ શકતા વાહનો પણ બજારમાંથી પસાર થતા હોય જે ટ્રાફિકજામ સર્જે છે.
ભૈરવી ચોકડી ખાતે હોમગાર્ડઝ હોવા છતાં ચીખલી જનારો બિનજરૂરી ટ્રાફિક પણ જનતા મિલની ગલીમાં ઘૂસી જઈ એકવડા રસ્તે ટ્રાફિક જામ કરે છે, જેને બાયપાસ મારગે વાળવા હોમગાર્ડ સક્રિય થવું જોઈએ. બજારમાં વાહન પાર્કિંગના કારણે પણ ઘણીવાર ટ્રાફિક જામ થતો હોય છે. હાલ કેરીની મોસમ હોય બજારમાં વાહનોની અવર જવર વધી જતી હોય છે. નવાંગતુક પીએસઆઇ ચીખલી ધરમપુર ચીખલીનો ટ્રાફિક વાયા બાયપાસ રસ્તે કરાવે તો અડધી રાહત થઈ શકે એવું લોકોનું માનવું છે. ગૂગલમાંથી બજારનો રસ્તો નાબૂદ કરાવી બાયપાસ રસ્તાનો સમાવેશ કરે તો પણ ઘણી રાહત થશે.