વાપી : નેશનલ હાઈવે (Nationl Highway) પર વાપી (Vapi) પાસે ટ્રક (Truck) પલટી જતા ટ્રાફિક (Traffic) જામ થઈ ગયો હતો. નેશનલ હાઈવે નં.૪૮ ઉપર એક ટ્રક અચાનક પલટી ગઈ હતી. જોકે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ રસ્તાની વચ્ચે ટ્રક પલટી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. નેશનલ હાઈવે ઓથોરીટી કે પછી નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકનું નિયમન કરતી ટ્રાફિક પોલીસ પાસે આવા બનાવ બને છે ત્યાર બાદ ટ્રકને રસ્તાની બાજુ ઉપર હટાવવા માટે ક્રેઈનની સગવડ હોતી નથી. તેના કારણે મુંબઈ-દિલ્હીનો આ સૌથી વ્યસ્ત ગણાતો નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ જાય છે. તેના કારણે લાંબો સમય સુધી વાહન ચાલકોને ટ્રાફિક જામની હાલાકી ભોગવવી પડે છે.
ભરૂચના શેરપુરા નજીક બસે મોપેડને અડફેટે લીધું, એકને ગંભીર ઈજા
ભરૂચ: ભરૂચના શેરપુરા પાસે દહેજ તરફથી આવતી ખાનગી કંપનીની બસે મોપેડચાલકને ટક્કર મારી હતી, જેમાં મોપેડચાલકને ઇજા પહોંચી હતી અને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. છેલ્લા ઘણા સમયથી દહેજ બાયપાસ રોડ ઉપર શેરપુરા, મનુબર ચોકડી પાસે અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શુક્રવારે વહેલી સવારે ભેરૂચના શેરપુરા નજીક દહેજ તરફથી ધસી આવેલી ખાનગી કંપનીની બસ નં.(જીજે-૦૬,બીટી-૦૦૫૩)ના ચાલકે મોપેડસવારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોપેડચાલકને ઈજા પહોંચી હતી. ઈજાને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માતને કારણે સ્થાનિકોનાં ટોળેટોળાં ભેગાં થયાં હતાં. તેમજ શેરપુરા પાસે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
અંકલેશ્વર હાઇવે નિલેશ ચોકડી પર મહાકાય મશીનરી લઈ જતું ટ્રેલર એંગલમાં ફસાયું
અંકલેશ્વર: અંકલેશ્વરના નેશનલ હાઇવે પર નિલેશ ચોકડી પાસે મહાકાય મશીનરી લઇને જતું ટ્રેલર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લગાવવામાં આવેલી એંગલમાં ફસાઈ ગયું હતું. જેના કારણે વજનદાર એંગલ તૂટીને હાઇવે પર પડ્યું હતું. ડીપીએમસી ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી એંગલને માર્ગ પરથી દૂર કર્યું હતું. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
સુરત તરફથી મહાકાય ઔદ્યોગિક ટેન્ક લઇ-ટ્રેલર અંકલેશ્વર નેશનલ હાઇવે નં.૪૮ પરથી પસાર થઇ રહ્યું હતું. દરમિયાન ટ્રેલર વાલિયા ચોકડી ઓવરબ્રિજ ઊતરતા જ નિલેશ ચોકડી પર આવેલા જીઆઇડીસી ઓવરબ્રિજના ૩૦ મીટરના અંતરે આવેલી લોખંડની એંગલ નીચેથી નીકળવા જતાં અંદર ફસાઈ ગયું હતું. અને એંગલ સાથે જોઈન્ટ લોખંડના પિલર તોડી પાડ્યા હતા. જો કે, ત્યાં કોઈ વાહન ન હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. પણ ટ્રેલર ફસાઈ જવાના કારણે હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો.
ઘટના અંગે જીઆઇડીસી નોટિફાઈડના ડીપીએમસી સેન્ટર ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ટેક્નિકલ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેઇનની મદદથી રોડ ઉપર પડેલી લોખંડની એંગલને દૂર કરી હતી. ત્યારબાદ ટ્રેલરમાં ફસાયેલી એંગલને દૂર કરી હતી. ઘટના અંગે હાઇવે ઓથોરિટીને જાણ થતાં ઓથોરિટીની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ટ્રેલરચાલક સામે મિલકતને નુકસાન કરવા બદલ કાયદાકીય પગલાં ભરવાની તજવીજ આરંભી હતી.