દિલ્હીમાં બુધવારે સવારે 8:30 વાગ્યે સમાપ્ત થતા 24 કલાકમાં 112.1 મીમી વરસાદ નોંધાયો હતો. જે સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા 19 વર્ષમાં એક દિવસમાં પડેલો સૌથી વધુ વરસાદ છે. એમ ભારતીય હવામાન વિભાગે (આઇએમડી) જણાવ્યું હતું. ભારે વરસાદથી પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અગાઉ, 13 સપ્ટેમ્બર, 2002ના રોજ દેશની રાજધાનીમાં 126.8 મીમી વરસાદ નોંધાયો હતો. તેમજ, 16 સપ્ટેમ્બર, 1963ના રોજ એક દિવસમાં 172.6 મીમી વરસાદ સાથે સર્વાધિક રેકોર્ડ છે.
દિલ્હીમાં ભારે વરસાદના કારણે ચાણક્યપુરીના રાજદ્વારી એન્ક્લેવ સહિત અનેક વિસ્તારો ઘૂંટણ સુધી ઉંડા પાણી ભરાઈ ગયા હતા અને શહેરના કેટલાક ભાગોમાં ટ્રાફિકને અસર થઈ હતી.શહેરમાં સવારે 8:30 વાગ્યાથી માત્ર ત્રણ કલાકમાં 75.6 મીમી વરસાદ વરસ્યો હતો. જેનો મતલબ એ છે કે, મહિનાના પ્રથમ બે દિવસોમાં દિલ્હીમાં વરસાદના માસિક ક્વોટા કરતાં વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.ભારતીય હવામાન વિભાગ અનુસાર, દર વર્ષે સપ્ટેમ્બરમાં રાજધાની સરેરાશ 125.1 મીમી વરસાદ નોંધાય છે.
એક સવાલના જવાબમાં હવામાન વિભાગના એક અધિકારીએ કહ્યું કે, દિલ્હી જેવા નાના વિસ્તાર માટે બેથી ત્રણ દિવસ અગાઉ ‘ચોક્કસ આગાહી’ કરવી મુશ્કેલ છે.તેમણે કહ્યું કે, આગાહીઓ હરિયાણા અને પંજાબની જેમ મોટા વિસ્તારો માટે છે. આ વાત સમગ્ર વિશ્વમાં લાગુ પડે છે.ખાનગી આગાહી એજન્સી સ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતે જણાવ્યું હતું કે,આબોહવા પરિવર્તનને કારણે ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેર માટે સત્તાવાર ગણાતી સફદરજંગ વેધશાળાએ બુધવારે સવારે 8:30 વાગ્યે સમાપ્ત થયેલા 24 કલાકમાં 112.1 મીમી વરસાદનો અંદાજ કાઢ્યો હતો. જે 19 વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં એક દિવસમાં નોંધાયેલ સૌથી વધુ વરસાદ છે.
દિલ્હીમાં લોધી રોડ, રિજ, પાલમ અને આયાનગરમાં હવામાન મથકોએ સવારે 8:30 વાગ્યે સમાપ્ત થયેલા 24 કલાકમાં અનુક્રમે 120.2 મીમી, 81.6 મીમી, 71.1 મીમી અને 68.2 મીમી વરસાદ નોંધાવ્યો હતો. તેમજ, સવારે 8:30 વાગ્યાથી પાલમ, લોદી રોડ, રિજ અને આયાનગરમાં અનુક્રમે 78.2 મીમી, 75.4 મીમી, 50 મીમી અને 44.8 મીમી વરસાદ નોંધાયો હતો.