SURAT

ભાઠેના બ્રિજ પર કોલસા ભરેલું ડમ્પર પલ્ટી ખાતા ટ્રાફિક જામ થયો

સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની દરિયાદિલીને પગલે માતેલા સાંઢની જેમ દોડતાં ટ્રકો અને ડમ્પરોને પગલે છાશવારે ગમખ્વાર અકસ્માતો નોંધાતા હોય છે. પ્રતિબંધિત સમયમાં પણ બેફામ દોડતાં આ ટ્રક અને ડમ્પરોને પગલે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોના માથે મોતનું જોખમ ઉભું થતું હોય છે ત્યારે આજે વધુ એક ડમ્પરનાં અકસ્માતને પગલે પીક અવર્સમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભાઠેના બ્રિજ પાસે સર્જાયેલા અકસ્માતને પગલે કલાકો સુધી ટ્રાફિકજામનાં દ્રશ્યો વચ્ચે ટ્રાફિક પોલીસનાં જવાનો પણ દોડતા થઈ ગયા હતા.

સ્માર્ટ સિટી સુરતમાં ટ્રાફિક પોલીસની ધરાર લાપરવાહીને પગલે શહેરનાં છાશવારે ભારે વાહનોને કારણે નિર્દોષ વાહન ચાલકો અકસ્માતનાં ભોગ બની રહ્યા છે. હાલમાં જ રાહુલરાજ મોલ પાસે બાઈક પર પસાર થઈ રહેલ એક યુવકનું હોટમિક્સ ટેન્કરનાં અડફેટે મોત નિપજયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

જો કે, આ ઘટના બાદ ટ્રાફિક પોલીસનાં માથે માછલાં ધોવાતાં ખુદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે મોરચો સંભાળ્યો હતો અને ટ્રાફિક પોલીસને તાત્કાલિક પ્રતિબંધિત સમયમાં દોડતાં ટ્રક – ડમ્પર વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીનાં આદેશ કર્યા હતા. જેને પગલે નાછૂટકે ટ્રાફિક પોલીસ દ્વારા બે દિવસ સુધી અભિયાન હાથ ધર્યા બાદ હથિયાર હેઠાં મુકી દીધા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

આ સ્થિતિમાં આજે વધુ એક ડમ્પર ભાઠેના બ્રિજ પાસેથી બેફામ સ્પીડમાં પસાર થઈ રહ્યું હતું અને ત્યારે જ તેનું ટાયર ધડાકાભેર ફાટતાં બ્રિજ પર જ ડમ્પર પલ્ટી ખાઈ ગયું હતું. કોલસા ભરેલા ડમ્પરનાં દુર્ઘટનાગ્રસ્ત થવાને કારણે બ્રિજ પર એક તરફનો વાહન વ્યવહાર સદંતર ઠપ્પ થઈ ગયો હતો અને પીક અવર્સ દરમિયાન ભાઠેના ખાતે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, પ્રતિબંધિત સમયમાં પણ બેફામ દોડી રહેલા ટ્રક અને ડમ્પર ચાલકો વિરૂદ્ધ ક્યાં સુધી ટ્રાફિક પોલીસ રહેમનજર દાખવશે તે અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top