SURAT

‘અમારી દુકાનો કેમ બંધ છે?’, સુરતની મિલેનિયમ માર્કેટના વેપારીઓના કાળી પટ્ટી બાંધી રસ્તા પર ધરણાં

સુરત: આજે સુરતની મિલેનિયમ માર્કેટના કાપડના વેપારીઓ રસ્તા પર ધરણાં પર બેઠાં હતાં. કાળી પટ્ટી પહેરી આ વેપારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. વેપારીઓને રોડ પર કોણ લાવ્યું?, અમારી દુકાનો કેમ બંધ છે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.

વાત ખરેખર એમ છે કે, ગયા મહિનાની 25 મેના રોજ રાજકોટના ગેમઝોનમાં ભયંકર આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 28 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ ગુજરાત સરકાર અને હાઈકોર્ટ ફાયર સેફ્ટીના નિયમના કડક પાલન માટેની ક્વાયત હાથ ધરી છે.

ફાયર સેફ્ટી, બીયુ સર્ટિફિકેટ જેવા નિયમોના પાલન માટે સુરત મનપા અને ફાયર વિભાગ દ્વારા એનઓસી નહીં હોય તેવી દુકાનો, હોસ્પિટલો, માર્કેટો સીલ કરવાનું શરૂ કર્યું હતું. તે અભિયાન હેઠળ રિંગરોડની કાપડ માર્કેટોની અનેક દુકાનો સીલ કરવામાં આવી હતી.

મિલેનિયમ માર્કેટ પણ સીલ કરવામાં આવી હતી. જેના લીધે લાંબા સમયથી કાપડના વેપારીઓની દુકાનો બંધ છે. અંદાજે 500થી 600 દુકાનો બંધ છે. આથી આ વેપારીઓ ગુસ્સે ભરાયા છે. થોડા દિવસ પહેલાં વેપારીના ટોળાઓએ રિંગરોડ પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આજે મિલેનિયમ માર્કેટના વેપારીઓનું એક ગ્રુપ માર્કેટ બહાર ધરણાં પર બેઠું હતું. માર્કેટ પરી ખોલવાની માંગણી સાથે આ વેપારીઓ કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નોંધનીય છે કે છેલ્લાં 10 દિવસથી કાપડ માર્કેટ બંધહ હોવાના લીધે કાપડના વેપારીઓને 500 કરોડથી વધુનો વેપાર ગુમાવવો પડ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, 10 દિવસમાં સિઝન શરૂ થઈ રહી છે. બહારગામથી વેપારીઓ ખરીદી કરવા આવશે. આવા સમયે દુકાનો બંધ રહેવાના લીધે વેપારીઓને તકલીફ થઈ રહી છે. વહેલી તકે દુકાનો ખુલવી જોઈએ.

Most Popular

To Top