SURAT

સીલીંગની કામગીરીથી નારાજ સુરત કાપડ માર્કેટના વેપારીઓ રસ્તા પર ઉતર્યા, રિંગરોડ પર ચક્કાજામ

સુરત: રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ રાજ્યમાં ફાયર સેફ્ટીના કાયદાનું કડક પાલન તંત્ર દ્વારા શરૂ કરાવાયું છે. સુરતમાં પણ છેલ્લાં પંદર દિવસથી સુરત મનપાનું ફાયર ડિપાર્ટમેન્ટ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરનાર સંસ્થાઓને સીલ મારી રહી છે. આ કામગીરી હેઠળ સુરતમાં અનેક કાપડ માર્કેટને સીલ મારી દેવામાં આવી હોવાના લીધે વેપારીઓનો વેપાર ઠપ્પ થઈ ગયો છે. આજે શુક્રવારે તા. 7 જૂનના રોજ કાપડ માર્કેટના વેપારીઓ રસ્તા પર ઉતર્યા હતા. ટ્રાફિક જામ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે સફાળા જાગેલા ફાયરબ્રિગેડ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. દિવસ રાત જોયા વગર જ તંત્ર દ્વારા એક કમિટી રચીને ફાયર સેફ્ટી વગરની જગ્યાઓને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે. ત્યારે કાપડ માર્કેટ સીલ થતાં વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. માર્કેટ ખુલવાની દિશામાં કોઈ જ કામગીરી ન થતી હોવાથી રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

ટેક્સટાઈલ માર્કેટમાં વેપાર કરનારા વેપારીઓ આજે ફોસ્ટાની ઓફિસમાં પહોંચ્યા હતાં. ત્યાંથી કોઈ યોગ્ય જવાબ ન મળતાં વેપારીઓ રસ્તા પર ઉતર્યા હતાં. વેપારીઓેએ દુકાન ખોલવા માંગ કરી હતી. સાથે જ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. જેથી થોડીવાર માટે સંઘર્ષ સર્જાયું હતું.

વેપારીઓએ કહ્યું કે, 14 માર્કેટમાં હજારો કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. રોજગારી છીનવાઈ ગઈ છે. 10 દિવસથી માર્કેટ બંધ છે. કોઈ જવાબ આપતું નથી. નેતાઓ જવાબ આપતાં નથી. અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી. હાઈકોર્ટનો મુદ્દો છે પરંતુ કોઈ કંઈ કહેવા તૈયાર નથી. આજે માર્કેટ નહી ખુલ્લે તો આવતીકાલથી ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકી આપીએ છીએ.

Most Popular

To Top