SURAT : કાપડ માર્કેટ ( TEXTILES MARKET) માં સતત ચેકિંગ કરી કાપડના વેપારીઓ પાસે માસ્ક, સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટસન્સ સહિત કોરોનાની ગાઇડલાઈનના ( CORONA GUIDELINE) નામે 1 હજારથી 2 હજાર સુધીનો દંડ વસૂલવામાં આવતો હોઈ વેપારીઓમાં નારાજગી ફેલાઇ છે. ફોસ્ટાએ દંડના બહાને થતી હેરાનગતિને બંધ કરવા પાલિકા કમિશનરને રજૂઆત કરી છે.કાપડ માર્કેટમાં કોરોનાના કેસો વધતા પાલિકાની ટીમ દ્વારા સતત ચેકિંગ ( CHECKING) કરવામાં આવી રહ્યું છે. વેક્સિન ( VACCINE) અને ટેસ્ટ માટે માર્કેટના ગેટ પર જ અધિકારીઓની ટીમ ગોઠવાઈ જાય છે, જેના પગલે દર અઠવાડિયે વેપારીઓ દ્વારા નિયમિતપણે ટેસ્ટિંગ કરાવવામાં આવી રહ્યું છે.
વેપારીઓનું કહેવુ છે કે કોરોનાનું સંક્રમણ વધ્યું હોય કેટલાંય વેપારીઓ ઝડપથી કામ આટોપી ગણતરીના કલાકોમાં જ દુકાન બંધ કરી ઘરે જતા રહે છે. વળી, બેન્કોનો સમય પણ સવારે 10થી 2 કરી દેવાયો હોય બપોર પછી માર્કેટોમાં મોટાભાગની દુકાનો બંધ હોય છે. બેન્કો બંધ, કામદારોની અછત અને પરપ્રાંતથી ઓર્ડર નહીં આવી રહ્યાં હોય વેપારીઓ પાસે કામકાજમાં 50 ટકાનો ઘટાડો થયો છે. તેમ છતાં આખાય શહેરમાં માત્ર કાપડ માર્કેટમાં જ કોરોનાનું સંક્રમણ ફેલાવાનું હોય તે રીતે પાલિકાના અધિકારીઓની ટીમ સતત ચેકિંગ કરીને વેપારીઓ પાસેથી દંડ વસૂલે છે.ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલે કહ્યું કે, હવે માર્કેટમાં ભીડ થતી નથી. કોરોનાનો ભય જ એટલો છે કે લોકો સ્વેચ્છાએ જ માસ્ક પહેરવા લાગ્યા છે. 45થી વધુ વય ધરાવતા વેપારી, કામદારોએ વેક્સિન લઈ લીધી છે અને ટેસ્ટિંગ પણ રેગ્યુલર થઈ રહ્યું છે. તેમ છતાં પાલિકા દ્વારા કોઈને કોઈ બહાને વેપારીઓ પાસેથી દંડ વસૂલાય રહ્યો છે, જે અંગે પાલિકા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
સુરત શહેરમાં કોરોનાના ( CORONA) સંક્રમણમાં અત્યંત વધારો થયો છે. સુરત સિવિલ હોસ્પિટલ અને મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મસ્કતિ હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યામાં તથા મોતની સંખ્યામાં અત્યંત વધારો થતાં ગુજરાત સહિત સમગ્ર સુરત શહેરની વિવિધ હોસ્પિટલો ખાતે પ્રજા બેફામપણે લુંટાઈ રહી છે અને સંલગ્ન તમામ જરૂરી દવાઓ, ઈન્જેક્શનો, ઓક્સિજનની બોટલ, ઓક્સિજન કિટ, વેન્ટિલેટરની વહીવટી તંત્રની અણઆવડતના કારણે વર્તાતી અછતના કારણે કાળાબજારી કરી બેફામપણે લૂંટ ચલાવાઈ રહી છે. જે અંગે યોગ્ય દર નક્કી કરી કમિટીની રચના કરવામાં આવે એ માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દિનેશ કાછડિયા દ્વારા આરોગ્ય સચિવ જયંતી રવિને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોવિડની સારવાર કરતી અને ખાસ કેસમાં છૂટ આપવામાં આવેલાં દવાખાનાં, નર્સિંગ હોમ, ટ્રસ્ટ, પ્રાઈવેટ સંસ્થાઓ પૈકી ઘણી ખરી સંસ્થાઓ દ્વારા બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ, ઈન્જેક્શનો, લેબોરેટરી ફી, એક્સ-રે તથા સિટી સ્કેન સહિતની તમામ સંલગ્ન ફીમાં અત્યંત વધારો ઝીંકી દીધો છે. અને કોવિડ-19ના આપત્તિ સમયને અવસર સમજી લોકોની મજબૂરીનો લાભ લઈ સામાન્ય હોસ્પિટલો દ્વારા દુકાનો ભાડે રાખી સોશિયલ ડિસ્ટન્સ વગર મહત્તમ બેડ મૂકી એક દિવસનો બેડના ચાર્જ સહિતના ચાર્જમાં ખુલ્લી લૂંટ ચલાવવામાં આવી રહી છે. જેના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે.
જે અંગે તાકીદે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે. સુરતની પ્રજાને કોવિડ-19ની સારવાર વ્યાજબી દરે મળી રહે અને તે માટે ચોક્કસ નીતિ નિર્દેશ બહાર પાડવામાં આવે અને તેના કડક પાલન તથા નિયમન માટે સ્થાનિક સ્તરે કમિટીઓની રચના કરવામાં આવે અને તે બાબતે જવાબદાર અધિકારીઓની નિમણૂક કરી પ્રજાને લૂંટથી બચાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.