સુરત: સુરતથી ઘોઘા વચ્ચે રો રો ફેરી કાર્યરત છે, જેને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, પરંતુ રવિવારે ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા આવતા જહાજમાં વિચિત્ર ઘટના બની હતી. જહાજ હજીરા નજીક પહોંચ્યું ત્યારે એક યુવક દરિયામાં પડી ગયો હતો, જેના પગલે જહાજમાં દોડધામ મચી ગઈ હતી.
- હજીરાથી 12 નોટિકલ માઇલ દૂર બનેલી ઘટના
- ક્રુ મેમ્બર્સે મધ્યપ્રદેશના કાપડ વેપારીને બચાવી લીધો
હજીરા ખાતે રોરો ફેરીમાંથી દરિયામાં ખાબકેલા કાપડના વેપારીને ક્રૂ મેમ્બરોએ ઉગારી લીધો હતો. બનાવ અંગે હજીરા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશમાં રહેતા કાપડના વેપારી 32 વર્ષીય અતુલકુમાર માણેકલાલ ચોક્સી ભાવનગર ખાતે કાપડની ખરીદી કરવા ગયા હતા. બાદમાં આજે સવારે ઘોઘાથી રોરો ફેરીમાં સુરત આવતા હતા, તે દરમિયાન હજીરાથી 12 નોટિકલ માઇલ દૂર વેપારી અતુલકુમાર રોરો ફેરીમાંથી દરિયામાં ખાબક્યા હતા.
આ દરમિયાન રોરો ફેરીના અન્ય પેસેન્જરોએ ક્રૂ-મેમ્બરોને જાણ કરતાં તેઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને વેપારી અતુલ કુમારને ઉગારી લીધા હતા. વેપારીને ચક્કર આવતા પડી ગયા હોવાનું હાલ સામે આવ્યું છે. આ બનાવ અંગે હજીરા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.